• મંગળવાર, 26 નવેમ્બર, 2024

માંડવીનાં ખેતરોમાં નર્મદાનાં નીર પહોંચતાં આનંદો

કોડાય (તા. માંડવી), તા. 24 : તાલુકાના 900થી વધારે ખેડૂતોને 6000થી વધુ એકર ખેતરમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પેટા કેનાલ વાટે પીપરી નજીક પાણી છોડાયું હતું. બિદડા, શેખાઈબાગ, ગુંદિયાળી, ભાડિયા, પીપરી, ત્રગડી ગામના ખેડૂતોના ખેતરમાં પિયતનો લાભ મળશે તેવું જણાવાયું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સૂત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે સાર્થક કર્યું હોવાનું જણાવતાં અનિરુદ્ધ દવેએ નર્મદાનાં મીઠાં પાણી ખેતર સુધી પહોંચી રહ્યાં છે, ત્યારે પ્રાકૃતિક ખેતી માટે પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. મોદીજીએ અન્ન (મિલેટસ)નો મહિમા જણાવી વિશ્વનું ધ્યાન આ અનાજ પર દોરાયું છે, ત્યારે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વિશ્વનું પોષણ કરી ધન પ્રાપ્ત કરવું જોઈએ. રાસાયણિક ખાતરથી અનેક રોગ થાય છે અને વિશ્વમાં આ ખાતર વિનાનાં ઉત્પાદનની માંગ છે, ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ધારાસભ્ય અને નર્મદા નિગમના અધિકારીઓ તથા અગ્રણીઓનું પંથકના ખેડૂતોએ વિશેષ સન્માન કર્યું હતું. સ્થાનિક અગ્રણીઓ પીપરી સરપંચ વાલજી સંઘાર, માજી જિ.પં. સદસ્ય અરવિંદ મોતા, મસ્કા સરપંચ કીર્તિ ગોર, ગુંદિયાળી સરપંચ વખતસિંહ જાડેજા, બિદડા -? જયાબેન છાભૈયા, જેઠાલાલ ગોર, ભાવેશ માકાણી, વિશાલ મારાજ, નર્મદા નિગમના લીનાબેન પટેલ, મયંક ચૌધરી, લખમણ જામોટ તથા પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang