• મંગળવાર, 26 નવેમ્બર, 2024

કંડલાથી માછીમારોના પ્રશ્ને કચ્છમાં માછીમાર ન્યાય યાત્રા યોજવાની નેમ

ગાંધીધામ, તા. 24 : અહીંના કચ્છ જનરલ મજદૂર સંઘના ફિશરીઝ વિભાગ દ્વારા વિશ્વ માછીમાર દિવસની ઉજવણી કરવામાં  આવી હતી. આ વેળાએ માછીમારોના પડતર  પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંગઠનના અધ્યક્ષ સંતોષ મિશ્રાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા માછીમારોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી   આઈ.ટી.એફ. અને કચ્છ જનરલ મજદૂર સંઘ  સતત સંઘર્ષ ચાલુ રાખશે તેમજ આગામી સમયમાં તુરંતમાં જ માછીમાર ન્યાય યાત્રાનું આયોજન કરાશે. આ યાત્રા ગાંધીજીની દાંડીકુચની જેમ  કંડલાથી નીકળી તુંણા, સંઘડ, ભદ્રેશ્વર,  મુંદરા, માંડવી, જખૌ  સહિતના દરિયાઈ વિસ્તારોમાં ન્યાય યાત્રા પહોંચશે. આ યાત્રામાં ગુજરાતભરના   માછીમારોને સંગઠીત કરવા હાકલ કરવામાં આવશે તેમજ ન્યાય માટે ન્યાયાલયમાં લડત ચલાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.  આ વેળાએ ફિશરીઝ વિભાગના પદાધિકારીઓ, કાર્યકરો, મામદ હુસેન નિગામરા,  હાસન જાકુબ મુસા બુચડ,  અકબર અયુબ બુચડ,  બાવલા જાકુબ બુચડ, અનવર કાસમ નિગામરા, હાસન સુલેમાન નિગામરા, હનીફ કાસમ નિગામરા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.  21 નવેમ્બરના કરાતી ઉજવણીમાં મત્સ્યપાલન ક્ષેત્રે સ્થાપિતતા અને સુરક્ષિતતાની ખાત્રી આપવામાં આવે છે. આ ઉજવણી 1998થી  કરવામાં આવતી હોવાની માહિતી આ વેળાએ આપવામાં આવી હતી. આ ક્ષેત્રમાં સ્થિરતા, કામદારોની હાજરીનું રક્ષણ કરવું, મત્સ્યપાલન ક્ષેત્રે સુરક્ષા અને  આરોગ્યને પ્રોત્સાહન અને આ ક્ષેત્રમાં તકનીકી વિકાસને પ્રોત્સાહન આપવા સહિતના હેતુ હોવાની માહિતી અપાઈ હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang