માંડવી, તા. 24 : માંડવીને રેલવે સુવિધા આપવા દિલ્હીથી ચીફ ઓપરેશન
મેનેજર હરીરામ રાવ તથા ટીમે માંડવીની રૂબરૂ મુલાકાત લઈ માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સીલના
હોદ્દારો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયત્નો તથા ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દવેની રજૂઆતથી માંડવીને રેલવે સુવિધા આપવાના હેતુથી યોજાયેલી બેઠકમાં પ્રમુખ
વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડયા તથા લિનેશભાઈ
શાહ, ખજાનચી ભરતભાઈ કપ્ટા તથા સભ્યો ચંદ્રસેનભાઈ કોટક તથા દિનેશભાઈ કોટક અને કેયૂરભાઈ
કોટકના પ્રતિનિધિ મંડળે શ્રી રાવ સમક્ષ વિગતો પૂરી પાડી હતી. રજૂઆતના પ્રત્યુતરમાં
શ્રી રાવે જણાવ્યું હતું કે, માંડવીને રેલવે સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયે ડીટેલ
પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરી દીધો છે. માત્ર ડેટાની પૂર્તતા કરવા મોકલાવેલી છે. તેમણે
ઉમેર્યું હતું કે, આ સુવિધાથી માંડવીનો વિકાસ થશે એટલું જ નહીં રેલવેને અને આમ જનતાને
પણ ફાયદો થશે. માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે હરિરામ રાવ સાહેબનું
સન્માન કર્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશભાઈ તીર્થાણી તથા ભુજ
રેલવે કોમર્શિયલ ઈન્સ્પેકટર પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ
આવકાર આપી સુવિધા માટે વિગતવાર કારણો રજૂ કર્યા હતા. દીપકભાઈ તથા ભરતભાઈએ દ્રષ્ટાંતો
રજૂ કર્યા હતા. મંત્રી દિનેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.