ભુજ, તા. 24 : શહેરમાં ગટર સમસ્યા વિકરાળ બની હોવા છતાં ભૂતેશ્વર
વિસ્તારમાં થયેલા ગટરનાં કામમાં ભીનું સંકેલાયું અને ભુજ સુધરાઈના જવાબદારો દ્વારા
ગટર કામ કરનારાઓના ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરાયા હોવાની જાગૃત નાગરીકોમાં ફરિયાદ
ઊઠી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના ભૂતેશ્વર વિસ્તારમાં મોટી લાઈન હોવા
છતાં નાના પાઈપો નાખી ઝડપભેર પૂરાણ કરી કામ આટોપી લેવાતાં થોડા સમય બાદ આગળ ફરી લાઈન
બેસી જતાં સમસ્યા કાયમી રહી છે અને કામગીરી પણ ચાલુ રહેવા સાથે બિલો બનવાનું પણ ચાલુ
રહ્યું હોવાનું જાગૃતો કહી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના ભૂતેશ્વર
વિસ્તારમાં ગટર સમસ્યાને પગલે મુખ્યલાઈનનું કામ કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરાયું. ખોદકામ
બાદ પાઈપ બદલવા પડે તેવું જણાતાં એ દિશામાં કામગીરી હાથ ધરાઈ જેમાં 600 ડાયાના પાઈપ
હોવા છતાં 300 ડાયાના પાઈપ નાખી ઝડપભેર પૂરાણ કરી કામગીરી આટોપી લેવાયાની સૂત્રોમાંથી
માહિતી પ્રાપ્ત થઈ હતી. જો કે ભ્રષ્ટાચારના ખેલ થોડા દિવસમાં જ ખૂલી અને જ્યાં મરંમત
કામ અને પાઈપો નખાયા ત્યાંથી થોડે દૂર ફરી લાઈન બેસી ગઈ. ભુજ આમેય ગટરસમસ્યાથી ત્રાહિમામ
પોકારી ઊઠયું છે ત્યારે 600 ડાયાને બદલે 300 ડાયાના પાઈપો શા માટે વાપર્યા ? આ કામ
પર દેખરેખ કેમ ન રખાઈ ? નાના પાઈપની જાણ થઈ હોવા છતાં સુધરાઈ દ્વારા કોન્ટ્રાકટર સામે
પગલાં શા માટે ન ભરાયાં ? તેવા અનેક સવાલો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. તાજેતરમાં
સંસ્કારનગર વિસ્તારની કાયમી ગટર સમસ્યા મુદ્દે જૂના જનસંઘી પરિવારને ભાજપ સામે થવું
પડયું જે શહેરમાં ગટર સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ ગટર સમસ્યા
બાબતે ત્રસ્ત બન્યું છે ત્યારે આટલી મોટી ગેરરીતિ સામે પગલાં ભરી ધાક બેસાડતી કામગીરી
કરાય જેથી મરંમતના નામે લાખો-કરોડોના થતા ભ્રષ્ટાચારને રોક લાગે તેવી માંગ ગટર સમસ્યાથી
ત્રસ્ત ભુજવાસીઓ કરી રહ્યા છે. ઉપરોકત સ્થળે
સુધરાઈના મુખ્ય અધિકારી તટસ્થ તપાસ કરે અને ગેરરીતિ આચરનારા સામે કડક કાર્યવાહી કરાય
તે જરૂરી છે. સાથોસાથ સુધરાઈના સત્તાધીશો, ગટર શાખાના ચેરમેન તથા ઈન્જિનીયર પણ આ બાબતે ગંભીરતા દાખવે, જેથી થનારાં કામો પરિણામલક્ષી રહે
તથા નાણાંનો દુરુપયોગ અટકે અને ભુજવાસીઓ સમસ્યામુક્ત બને તેવી લાગણી ફેલાઈ છે.