• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં વરસાદી પ્રવાસનનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ,તા. 4 : વરસાદ આવે એટલો કચ્છનો નજારો જ બદલી જતો હોય છે. કચ્છ જાણે કે કાશ્મીર બની ગયું હોય તેવો આહ્લાદક માહોલ સાર્વત્રિક મેઘકૃપા પછી જોવા મળી રહયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં સતત સારો વરસાદ વરસી રહયો હોવાના કારણે વરસાદી પ્રવાસનની સીઝન પુરબહારમાં ખીલી ઉઠેલી દેખાઈ રહી છે. જિલ્લામાં ડેમ-તળાવમાં આવેલા નવા નીર નિહાળવા, લીલોતરી ઓઢીને ડુંગરો પર ટ્રેકીંગ ને મજા માણવા અને વરસાદ પછી વહેતા કુદરતી વહેણ સમાન પાણીના ધોધ નિહાળવા માટે કચ્છની સાથે કચ્છ બહાર વસતા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહયા છે.  એક સમય હતો કે જયારે કચ્છમાં દર બે વર્ષે એકાદ મોટું અછતનું વર્ષ આવી જતું હતું. જેના કારણે પાણી અને ઘાસની સમસ્યા આ જિલ્લાના લલાટે લખાયેલી હતી. જો કે ભૂકંપ બાદ જળવાયુ પરિવર્તન કચ્છ માટે લાભદાયી રહયું હોય તેમ અછતના વર્ષ ઘટયાં છે અને સતત અને સાર્વત્રિક વરસાદના વર્ષ વધ્યાં છે. સતત વરસતી સારી મેઘમહેરના કારણે ખીલી ઉઠેલું કુદરતી સૌંદર્ય પ્રકૃતિપ્રેમીઓને આકર્ષીત કરી રહયું  છે. મેઘમહેર વરસતાં જ જયાં કુદરતી પાણીના વહેણ ખળખળ કરતા નિકળી પડે છે એ પાલરધુના હોય કે કડિયાધ્રો કે પછી પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં આવેલા વરસાદી પાણીના ધોધને નિહાળવા માટે ખાસ કરીને રજાના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. એ જ રીતે વાદળો જાણે કે ધરતી પર ઉતરી આવ્યા હોય એવો નજારો જયાં સર્જાય છે એવા ધીણોધર, નનામો ડુંગર, કાળો ડુંગર ઉપરાંત ભુજને જેના થકી ઓળખ મળી છે. ભુજિયામાં આવેલા સ્મૃતિવન તેમજ ટપકેશ્વરી પાસે આવેલ જદુરા નજીકની ટેકરીઓ તો ચોમાસામાં ટુરીસ્ટ સ્પોટ એટલે કે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવે છે. ભુજના પ્રકૃતિપ્રેમીઓના બનેલા એક સમુહ દ્વારા વરસાદ બાદ ખીલેલા સૌંદર્યને માણવા સાથે જિલ્લાના અલગ અલગ ડુંગરનો ઈતિહાસ અને તેનું મહત્વ વર્ણવી નિજાનંદ માણી રહયા છે. વિવિધ ડેમ કે જે છલકાઈ ગયા છે અથવા તો એમાં મોટા પ્રમાણમાં જળભરાવ થયો છે ત્યારે આ નજારાને નિહાળવા માટે લોકો આવી રહયા હોવાની સાથે સોશ્યલ મિડીયા પર તેના અલગ અલગ બ્લોગ બનાવી નિજાનંદ માણતા હોય છે. કચ્છમાં પ્રવાસનને વેગ આપવાના આશયથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટ્રેકીંગ પ્રવાસનનો વિકાસ કરવા માટે ખાસ પ્રકારનું આયોજન ઘડવા માટેની રણનિતી ઘડવામાં આવી હતી. જો કે, આવા સ્થળે જવા સમયે પૂરતી તકેદારી ચોક્કસથી રાખવી જોઇએ, જેથી જીવનું જોખમ સર્જતી સ્થિતિ ન ઉદ્ભવે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang