કોલંબો, તા. 28 : શ્રીલંકા અને બાંગલાદેશ વચ્ચે
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રની બીજી મેચ 25 જૂનથી રમાઈ હતી. બન્ને ટીમ વચ્ચે આ મુકાબલો કોલંબોના સિંહલી
સ્પોર્ટસ ક્લબમાં રમાયો હતો, જેમાં
શ્રીલંકાએ બાંગલાદેશને એક દાવ અને 78 રને હરાવી દીધું છે. આ સાથે જ શ્રીલંકાની ટીમે શ્રેણી 1-0થી પોતાનાં નામે કરી લીધી છે.
બાંગલાદેશની ટીમે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં સારી શરૂઆત કરી હતી. આ શ્રેણીમાં બાંગલાદેશની કેપ્ટનશિપ
નજમુલ હુસૈન શાન્તોને સોંપવામાં આવી હતી, જ્યારે શ્રીલંકાની કમાન અનુભવી ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાના હાથમાં હતી. બાંગલાદેશે
મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જો કે, પહેલી
ઈનિંગ 247 રનમાં સમેટાઈ હતી. શ્રીલંકા
તરફથી સોનલ દિનુષા અને અસીથા ફર્નાન્ડોએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી. વિશ્વા ફર્નાન્ડોને
બે અને થરિદા રતનાયકે તેમજ કેપ્ટન ધનંજય ડી સિલ્વાને 1-1 સફળતા મળી હતી. પહેલી ઈનિંગમાં
બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની આખી ટીમ 116.5 ઓવરમાં 458 રન બનાવીને
સમેટાઈ હતી. શ્રીલંકા તરફથી ઓપનિંગ બેટસમેન પથુમ નિસાંકાએ સૌથી વધારે 158 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ ઉપરાંત દિનેશ ચાંડીમલે 93 રન કર્યા
હતા. કુસલ મેન્ડિસે 84 રનની ઈનિંગ
રમી હતી. બીજી તરફ બંગલાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે સૌથી વધારે પાંચ વિકેટ પોતાનાં નામે
કરી હતી, જ્યારે નઈમ હસનને ત્રણ વિકેટ મળી હતી. ત્રીજા
દિવસની રમત પુરી થવા સુધીમાં બંગલાદેશની ટીમે બીજા દાવમાં છ વિકેટે 115 રન કરી લીધા હતા. જો કે, ચોથા દિવસે બંગલાદેશની ટીમ મેદાન ઉપર ટકી શકી
નહોતી અને પૂરી ટીમ 133 રન કરીને
આાઁલઆઉટ થઈ હતી. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ સૌથી વધારે પાંચ વિકેટ પોતાનાં નામે
કરી હતી.