કોડાય (તા. માંડવી), તા. 26 : બિદડા ગામની
મુખ્ય ગટરલાઈન ભાભુતિયા વાડીવિસ્તારમાંથી પસાર થાય છે, જે લાઈનમાં છેલ્લા ઘણા સમયથી ભંગાણ પડતાં લોકોને
વહેતી ગટરમાંથી પસાર થવું પડે છે. ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે, તેવી ફરિયાદ ઊઠી હતી. સ્થાનિકો ગટરની દુર્ગંધથી પીડાય છે. ખુલ્લી ગટરથી મેલેરિયા,
ડેન્ગ્યૂ જેવા મચ્છરોના ઉપદ્રવ વધતાં સ્થાનિક લોકો અને બાળકોનું આરોગ્ય
જોખમાય અને રોગચાળો ફાટી નીકળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. બિદડા ગ્રામ પંચાયતના સરપંચ
પાસે અનેક વખત આ રજૂઆતો કરાઈ છે. પાંચ મહિનાથી આ ગંભીર સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં
ગ્રા. પં. સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો
હતો અને ગટરલાઈન સત્વરે રિપેર થાય તેવી માંગ કરાઈ હતી. ટુકડી વાડીવિસ્તાર નજીક
પણ ખુલ્લી ગટર વહેતાં ખેડૂતો ત્રસ્ત બન્યા છે. ખુલ્લી ચેમ્બરો પણ અકસ્માત નોતરે તે
પહેલાં ચેમ્બર ઢાંકવા અને જૂની લાઈન સાથે જોડાણ કરવા રજૂઆત કરાઈ હતી.