• સોમવાર, 30 જૂન, 2025

ટેનિસ મહાસંગ્રામ વિમ્બલ્ડનનો આજથી પ્રારંભ

નવી દિલ્હી, તા. 29 : ક્રિકેટની જેમ જ ટેનિસના પ્રેમી છે, તેવા દુનિયાભરમાં ફેલાયેલા રમતરસિકો જેની આતૂરતાભેર રાહ જોઈ રહ્યા હતા, તેવી ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન-2025નો આવતી કાલ સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ચાલુ વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં પુરુષ અને મહિલા બંને વર્ગમાં જબરદસ્ત મુકાબલા જોવા મળશે. વિશ્વના ટોચના ખેલાડી અને વર્તમાન વિજેતા કાર્લોસ અલ્કારાઝની નજર ખિતાબની હેટ્રિક કરવા પર રહેશે. એ જ રીતે, નોવાક જોકોવિચ આ ટેનિસ સંગ્રામમાં વિક્રમી 25મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતવાનાં લક્ષ્ય સાથે કોર્ટ પર ઊતરશે. પહેલાં દોરમાં ફૈબિયો ફોગનીની વિરુદ્ધ અભિયાન શરૂ કરનાર અલ્કારાઝ ત્રીજીવાર વિમ્બલ્ડન જીતે, તો દિગ્ગજો રોજર ફેડરર અને નોવાક જોકોવિચની ખાસ ક્લબમાં સ્થાન મેળવી શકે છે. સાતવાર વિમ્બલ્ડન જીતવા સાથે કારકિર્દીમાં 24 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી ચૂકેલા કદાવર ખેલાડી નોવાક જોકોવિચ પહેલા જ રાઉન્ડમાં એલેકઝાન્ડર મુલર જેવા ખેલાડીના પડકારનો સામનો કરશે. બીજી તરફ, મહિલા સિંગલ્સ ડ્રોમાં અમેરિકાની સ્ટાર ખેલાડી કોકો ગોફ પહેલા દોરમાં ડાયના યાત્રેમસ્કા વિરુદ્ધ રમશે. ફ્રેન્ચ ઓપન-2025માં પોતાનો બીજો મોટો ખિતાબ જીતી ચૂકેલી ગોફનું પ્રદર્શન વિમ્બલ્ડનની કોર્ટ પર પણ જોવા માટે તેના ચાહકો ઉત્સુક છે. બીજા રાઉન્ડમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા વિક્ટોરિયા અજારેન્કા સામે થઈ શકે છે, જે એક હાઈવોલ્ટેજ મુકાબલો બની શકે છે. - વિમ્બલ્ડનની ઈનામી રકમ વધીને 6.23 અબજ રૂપિયા : લંડન, તા. 29 : ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન-2025ની ઈમામની રકમમાં આ વખતે વધારો કરાયો છે. સ્પર્ધાનાં ઈનામોની કુલ રકમ હવે લગભગ 6.23 અબજ રૂપિયા થઈ ગઈ છે તેવું જાણવા મળ્યું હતું. સિંગલ્સ મુકાબલામાં ખિતાબ જીતનાર ખેલાડીને લગભગ 34.93 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. ભારતમાં ટેનિસપ્રેમીઓ આ વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકે છે, તો જિઓ સિનેમા પર વિમ્બલ્ડનના લાઈવ સ્ટ્રીમિંગથી પણ મુકાબલાની મજા લઈ શકાશે. 

Panchang

dd