ગાંધીધામ, તા. 29 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના
નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ
ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ-2025માં અમદાવાદના છઠ્ઠા ક્રમના ધૈર્ય પરમારે ટોચના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટને 4-2થી હરાવીને પુરુષ વિભાગનો ખિતાબ
પોતાના નામે કર્યો હતો. આદિપુર ખાતે આવેલાં સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ હરેશ
સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી
ટૂર્નામેન્ટમાં ત્રીજા દિવસે ધૈર્યએ મજબૂત શરૂઆત કરતાં પ્રથમ ગેમ જીતી હતી, પરંતુ પહેલી સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટના વિજેતા
ચિત્રાક્ષે પછીની બે ગેમ જીતી લીડ મેળવી લીધી હતી, પણ ધૈર્યએ
હાર ન સ્વીકારવાની ભાવના સાથે ઝડપી વળતો પ્રહાર કરી સતત ત્રણ ગેમ જીતીને મેચ 4-2થી જીતનો મેન્સ ખિતાબ અંકે
કર્યો હતો. સ્ત્રીઓની ફાઇનલમાં, ચોથા ક્રમની અને અમદાવાદની ઓશિકી જોર્ડર ત્રીજા
ક્રમની અને ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને સરળતાથી 4-1થી હરાવીને આ સિઝનનું પોતાનું
પહેલું ટાઈટલ જીતી લીધું હતું. અંડર-19 બોયસની ફાઇનલમાં ભાવનગરના ચોથા ક્રમના ધ્યેય જાની અને અરાવલીના
બીજા ક્રમના જન્મેજય પટેલ વચ્ચે રસાકસીભરી મેચ થઇ હતી. અંતે ધ્યેય જાનીએ 4-3થી જીત મેળવીને અંડર-19નો ખિતાબ જીતી લીધો હતો. બીજી બાજુ અંડર-17 બોયસની ફાઇનલમાં અમદાવાદના બે બિનક્રમાંકિત ખેલાડી વચ્ચે મુકાબલો
થયો હતો, જેમાં અભિલક્ષ પટેલે માલવ પંચાલને 3-1થી હરાવી ટાઇટલ પોતાનાં નામે
કર્યું હતું. મેન્સ વિભાગમાં ધૈર્ય પરમાર
(અમદાવાદ),
ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ), જયનીલ મહેતા (રાજકોટ), દેવર્ષ વાઘેલા (સુરત), વિમેન્સ વિભાગમાં ઓશિકી જોર્ડર
(અમદાવાદ), રાધાપ્રિયા
ગોયલ (ગાંધીનગર), પ્રથા
પવાર (અમદાવાદ) અને ફ્રેનાઝ ચિપિયા (સુરત), બોયઝ અન્ડર-19માં
ધ્યાન જાની (ભાવનગર), જન્મેજય
પટેલ (અરાવલી), તક્ષ કોઠારી (સુરત) અને હર્ષવર્ધન પટેલ (અરાવલી)
તથા બોયઝ અંડર-17 અભિલક્ષ પટેલ (અમદાવાદ), માલવ પંચાલ (અમદાવાદ), દ્વિજ ભાલોડિયા (અમદાવાદ) અને
તક્ષ કોઠારી (સુરત)એ મેડલ મેળવ્યા હતા.