ગાંધીધામ, તા. 29 : કચ્છમાં દારૂ ઘૂસાડવા બુટલેગરો
જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. અગાઉ ટ્રેઇલર નીચે તથા ટેન્કર અને કેબિન વચ્ચે
તથા સિમેન્ટ મિક્સરમાં સંતાડીને લવાયેલો દારૂ પોલીસે ઝડપી પાડયો હતો. દરમ્યાન સામખિયાળીથી
મોરબી જતા માર્ગ ઉપર ટેન્કરમાં `પુષ્પા' સ્ટાઇલથી છુપાવીને મોરબી લઇ જવાતો રૂા. 78,25,200નો અંગ્રેજી દારૂ પોલીસે ઝડપી
પાડયો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની એક ટીમ ગત મોડીરાત્રે સામખિયાળી બાજુ પેટ્રોલિંગમાં
હતી. દરમ્યાન એક ટેન્કર દારૂ ભરીને મોરબી બાજુ જઇ રહ્યું હોવાની પૂર્વ બાતમીના આધારે
આ ટીમ સામખિયાળીથી મોરબી જતા માર્ગ ઉપર દોડી ગઇ હતી અને આ ટેન્કરની વોચમાં ગોઠવાઇ ગઇ
હતી, તેવામાં જી.ઓ.બી.પી. લખેલું ટેન્કર નંબર જી.જે.
-06-એ.ઝેડ. -9223વાળું આવતાં પોલીસે તેને અટકાવ્યું
હતું. વાહનના ચાલક રાજસ્થાનના જગદીશ દેવારામ ડારા (બિશ્નોઇ)ની પૂછપરછ કરાતાં તેણે ટેન્કરમાં
દારૂ હોવાની કેફિયત આપી દીધી હતી. તેવામાં ટેન્કરની પાછળ આવેલા વાલ્વ બોક્સના નટબોલ્ટ
ખોલતાં આખેઆખું બોક્સ બહાર આવી ગયું હતું અને બોક્સ જેટલી જગ્યા કટિંગ કરી બાદમાં ટેન્કરમાં
દારૂની ગોઠવણી કરી વાલ્વ બોક્સમાં નટબોલ્ટ ફિટ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. આટલા
ખાંચામાંથી આખેઆખું ટેન્કર દારૂથી ભરી દેવામાં આવ્યું હતું. આ ટેન્કર સામખિયાળી પોલીસ
મથકે લઇ જઇ તેમાંથી ઓલ સિઝન્સ 750. મિ.લી.ની
79 પેટી એટલે 948 બોટલ, રોયલ ચેલેન્જની 750 મિ.લી.ની 120 પેટી એટલે 1440 બોટલ, રોયલ સ્ટેગની 95 પેટી એટલે 1140 બોટલ, રોયલ ચેલેન્જની 180 એમ.એલ.ની 135 પેટી એટલે 6480 કવાર્ટરિયા, મેક ડોવેલ્સ નંબર-1ની 17 પેટી- 816 કવાર્ટરિયા, મેક ડોવેલ્સ નંબર-1 ડિલક્સની 83 પેટી એમ 3984 પેટી એમ કુલ રૂા. 78,25,200નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં
આવ્યો હતો. ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલી આ બોટલો પૈકી અમુક બોટલો પરથી બેચ નંબર છેકી
નખાયા હતા. પકડાયેલા જગદીશ ડારાની વધુ પૂછપરછ કરાતાં તેણે જાલંધર પંજાબ શહેર બહલ સાંચોરનો
કાળુ બિશ્નોઇ આ દારૂ ભરેલું ટેન્કર આપી ગયો હતો તેમજ સિકરના સંજયસિંહ વીજેન્દ્રસિંહ
અને ઝુંઝનુના ધીરસિંહ સુભાષે આ દારૂ ભરીને મોકલાવ્યો હતો તેમજ મોરબી પહોંચી કાળુને
જાણ કરવાની હતી પરંતુ તે પહેલાં પોલીસે દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. કાર્યવાહી
દરમ્યાન પોલીસે દારૂ, ટેન્કર,
મોબાઇલ, ટેન્કર માલિક રાજુલાના ગોપારામ છાંગારામ નામની આર.સી. બુક,
ફાઇલ, અન્ય કાગળો મળીને કુલ રૂા. 1,08,50,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહીમાં એલ.સી.બી.ના પી.આઇ. એન. એન. ચૂડાસમા,
પી.એસ.આઇ. ડી. જી. પટેલ તથા સ્ટાફના ગલાલભાઇ પારગી, ચેતનભાઇ પરમાર, હરપાલસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા. - સુખપર-પશુડા વચ્ચે કારમાંથી
2.90 લાખનો દારૂ જપ્ત કરાયો : દુધઇ પોલીસ ગઇકાલે મોડીરત્રે સુખપર-પશુડા
રોડ પર પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પોલીસ વાહન આવતું જોઇને ક્રેટા કાર નંબર જી.જે.-39-સી.એ.-4437ના ચાલકે પોતાનું વાહન અધવચ્ચે
મૂકીને પોતે બાવળની ઝાડીમાં ઓજલ થઇ ગયો હતો. આ કારને પોલીસ મથકે લઇ જઇ તેમાંથી ગ્રીન
લેબલ બેરલ સ્પેશિયલ 750 મિ.લી.ની
108 બોટલ, મેજિક મોમેન્ટ ગ્રેઇન વોડકા 375 મિ.લી.ની 192 નાની બોટલ તથા ટયુબર્ગ બિયરના 312 ટીન એમ કુલ્લ રૂા. 2,90,160નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો પરંતુ કાર માલિક કોણ છે ? કોણ ચલાવતું હતું ? દારૂ
ક્યાંથી ક્યાં લઇ જવાતો હતો તે બહાર આવ્યું નહોતું. - વીડીમાં 60 હજારનો દારૂ જપ્ત : શખ્સ ગેરહાજર
મળ્યો : અંજારના વીડી ગામમાં જૂની શાળાની પાછળ પારાધીવાસમાં
પોલીસે અજય ફકીરા પારાધીના કબજાના મકાનમાં છાપો માર્યો હતો. અહીંથી મોબી વોડકાની છ, મેકડોવેલ્સ નંબર-1ની 12 તથા 999 પાવર સ્ટારની
67 નાની બોટલ એમ કુલ રૂા. 60,000નો શરાબ જપ્ત કર્યો હતો પરંતુ
આરોપી હાથમાં આવ્યો ન હતો.