ગાંધીધામ, તા. 29 : ગાંધીધામ તાલુકા પંચાયતની
ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં છે. પહેલો માળ ગમે ત્યારે ધરાશય થઈ જાય તેવી
સ્થિતિમાં છે. બે દિવસ પહેલાં અચાનક છતમાંથી મોટું ગાબડું પડતા ભયંકર અવાજ આવ્યો હતો, જેના પગલે કચેરીમાં કામ કરતાં કર્મચારીઓ તુરંત
બહાર નીકળી ગયા હતા અને તપાસ કરતા છતમાંથી ગાબડું પડયું હોવાનું બહાર આવ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં જીવનાં જોખમે કામ કરવા જેવી
સ્થિતિ છે. બિલ્ડિંગ સાવ જર્જરીત અવસ્થામાં છે. ઉપરના માળે તમામ રૂમમાં અને લોબીમાં
ઠેર ઠેર છતમાંથી ગાબડાં પડયાં છે તેના મલબાન ઢગ પડયા છે. છેલ્લા ઘણા સમયથી સતત છતમાંથી
ગાબડાં પડી રહ્યાં છે. તત્કાલીન સમયના તાલુકા પંચાયતના પ્રમુખ અને વહીવટી તંત્ર દ્વારા
બાંધકામ વિભાગ પંચાયતને આ ઇમારત બાબતે રજૂઆતો
કરતા હતા. જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆતો કરી હતી, પણ તે સમયે
બાંધકામ વિભાગ બિલ્ડિંગની સમય મર્યાદા પૂર્ણ થઈ નથી તેવું કહ્યું હતું. થોડા સમય પહેલાં
જ બાંધકામ વિભાગે ઇમારત ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેવું પ્રમાણપત્ર આપ્યું છે. આ સ્થિતિ
અંગે તાલુકા પંચાયતે જિલ્લાને રિપોર્ટ કરતા ભાડાંનાં મકાનમાં કચેરી સ્થળાંતરિત કરવા
માટેની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સસ્તાં ભાડાંમાં ગાંધીધામ
સંકુલ મં કચેરી મળવી મુશ્કેલ છે એટલે તાલુકા પંચાયતના વહીવટી તંત્રની મૂંઝવણ વધી છે.
છતમાંથી સતત મોટાં મોટાં ગાબડાં પડી રહ્યાં છે, દિન પ્રતિદિન
જોખમ વધતું જાય છે ખાસ કરીને બે દિવસ પહેલાંની ઘટનાએ કચેરીમાં કામ કરવું કે નહીં તે
બાબતે કર્મચારીઓને વિચારતા કર્યા છે, જેના પગલે હવે પંચાયતનું
વહીવટી તંત્ર સક્રિય થયું છે. આ અંગે તાલુકાના અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે વાતને
સમર્થન આપ્યું હતું અને હવે સરકારી ઇમારતમાં જ તાલુકા પંચાયતનું કામકાજ સ્થળાંતરિત
કરવાનો નિર્ણય થઈ રહ્યો છે અને તેના માટે સરકારી કચેરીની શોધખોળ શરૂ કરે છે તેમ જણાવ્યું
હતું.