• શનિવાર, 27 જુલાઈ, 2024

ભાગીરથી ગંગા તનને, તો ભાગવત ગંગા મનને શુદ્ધ કરે છે

ભુજ, તા. 10 : શહેરના મુંદરા રોડ પર આકાર લઇ રહેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ક્ષેત્રપાલ એપીટોમના પ્રાંગણમાં ભુજની સંભવિત પ્રથમ રાત્રિ શ્રીમદ્ ભાગવતની સંગીતમય કથાનો પ્રારંભ ક્ષેત્રપાલ ઇન્ફ્રા એલએલપીના યજમાન પદે ભક્તિમય વાતાવરણમાં કરાયો હતો. કથાકારે ભાગવત કથાના શ્રવણનું મહત્ત્વ વર્ણવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન કથાકાર સશ્રીના વ્યાસાસને કચ્છમાં તૃતીય કથા અને ભુજ શહેરની પ્રથમ કથા છે. સૌ પ્રથમ સશ્રીનું સામૈયું કરીને આવકાર અપાયો હતો. પોથીયાત્રાનું પ્રસ્થાન કથામંડપ સુધી કરાયું હતું. યજમાન પરિવાર અને આમંત્રિતોના હસ્તે ઠાકોરજીની આરતી ઉતારી મંગલાચરણ કરાયું હતું. પ્રથમ દિવસે કથાનું મહત્ત્વ સમજાવતાં વક્તાએ જણાવ્યું હતું કે, ભાગીરથી ગંગા તનને શુદ્ધ કરે છે અને ભાગવત ગંગા મનને શુદ્ધ કરે છે અને તનને શુદ્ધ કરવામાં આપણને ભાગીરથી નદી સુધી સ્નાન કરવા જવું પડે છે જ્યારે ભાગવત ગંગા સામેથી આપણા ઘરઆંગણે સામેથી આવ્યા છે. મનને શુદ્ધ કરવાનો અવસર ભુજના નગરજનો વધુમાં વધુ લે એવું કહેતાં કથા મૃત્યુ પામેલાને મોક્ષ પ્રદાન કરે અને જીવિત લોકોને જીવન જીવવાની કળા શીખવાડે છે એવું કહ્યું હતું. દ્વિતીય દિવસે ચાર યુગનું મહત્ત્વ સમજાવતાં સંસારી વ્યક્તિએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવી ચતુર્સિદ્ધિની પ્રાપ્તિ કેમ કરવી વિશે સમજ આપી હતી. ગીતાજીનો સાર ઉતારવા ગીતાજીનાં પુસ્તક બધી પ્રાદેશિક ભાષાઓમાં મુદ્રણ કરાવીને લોકોને સરળતાથી ઉપલબ્ધ બને માટે ગીતા પ્રેસવાળા જય દયાલજી ગોયેન્કાનાં યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તૃતીય દિવસે ભૌતિકવાદમાં શાત્રોનું વાંચન કરવાનો સમય મળે તો દિવસ દરમ્યાન પંદર મિનિટ કથા, વાર્તા, પ્રવચન અને શાત્રોનું શ્રવણ કરવાની ટેવ પાડવાની વાત કરતાં યુવાનોને વ્યસનમુક્તિનો માર્ગ બતાવ્યો હતો. સતશ્રી દ્વારા હિન્દુ સંસ્કૃતિના મહાન શાત્રો વાલ્મીકિ રામાયણ, શિવ-પુરાણ, મહાભારત, ઉપનિષદ, ભગવતગીતા, સત્સંગી જીવન, હરિલીલામૃત, ભક્ત ચિંતામણિ જેવા શાત્રોના કથા શ્રવણથી લાખો લોકો લાભાન્વિત થયા છે. સોશિયલ મીડિયામાં પણ તેમના શ્રોતાજનોની સંખ્યા લાખોને પાર છે. કથાના ભક્તિસંગીતમાં મૂળ કચ્છના એવા પ્રવીણભાઇ ઉપાધ્યાય પોતાનો કંઠ આપી રહ્યા છે. પૂ. સતશ્રી કથાનાં માધ્યમથી અમદાવાદ ખાતે નિર્માણાધીન સતધામના બે રૂમ માટે રૂા. 11,00,000 ડોનેશન ક્ષેત્રપાલ ઇન્ફ્રા એલએલપી દ્વારા જાહેર કરાયું છે. તૃતીય દિવસે રામ પ્રાગટયોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. કથાના ત્રણ દિવસ દરમ્યાન રાજકીય, સામાજિક, સહકારી ક્ષેત્રના અને સંસ્થાકીય આગેવાનો, સરકારી અધિકારીઓ તથા આમંત્રિત મહેમાનો, ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો.મુકેશભાઈ ચંદે, કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, રમણીક જોબનપુત્રા, અરવિંદ ચંદન, ભુજ લોહાણા મહાજનના પૂર્વ મંત્રી બાલકૃષ્ણ ઠક્કર, પરેશ ઠક્કર, દીપક જોબનપુત્રા, હર્ષદ જોબનપુત્રા, ગોદાવરીબેન ઠક્કર, ભાવેશ આઇયા, વીરેન રઘુવંશી, આનંદ પવાણી, જયેષ્ઠારામ દામજી દૈયા, મહેશ રાજદેએ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું. ક્ષેત્રપાલ ઇન્ફ્રા એલએલપી ભુજ દ્વારા તમામનું સન્માન કરાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી અંદાજિત પાંચ હજાર જેટલા શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. બાકીના દિવસોમાં ભુજ શહેરના નગરજનો વધુમાં વધુ કથા શ્રવણનો લાભ લે એવું ઇજન યજમાન પરિવાર દ્વારા અપાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang