• બુધવાર, 22 મે, 2024

લ્યો, કચ્છમાં 500થી વધુ શાળા મેદાનવિહોણી

હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 19 : રમતગમત એ બાળકોનો મૌલિક અધિકાર છે, તેથી મેદાન વિનાની શાળાઓને તાળાં લગાવી દેવા જોઈએ તેવી કેરળની હાઈકોર્ટે તાજેતરમાં ટિપ્પણી કરી છે તો દેશના વડાપ્રધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં ખેલને મહત્ત્વ આપવા પર ભાર મૂક્યો છે, પરંતુ ખાટલે મોટી ખોટ કે, કચ્છની 529 જેટલી સરકારી શાળામાં જ બાળકો માટે રમતગમત માટે મેદાનની વ્યવસ્થા નથી, તો 30 જેટલી ખાનગી શાળા મેદાનવિહોણી છે. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ.) હેઠળ શહેરી વિસ્તારની શાળામાં 800 અને ગ્રામ્યક્ષેત્રની શાળાઓમાં 1200 ચોરસ મીટર રમતગમતનું મેદાન હોવું જરૂરી  છે, તે સિવાય શાળાને મંજૂરી મળે જ નહીં, પરંતુ કચ્છમાં કેન્દ્ર સરકાર સંચાલિત સમગ્ર શિક્ષા વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ખુદ સરકારી પ્રાથમિકથી માંડીને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની 529 શાળા મેદાનવિહોણી છે. એકતરફ વડાપ્રધાને પણ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ખેલકૂદને મહત્ત્વ આપ્યું છે, તો બીજીતરફ સરકારી શાળાઓ જ મેદાનવિહોણી છે, ત્યારે બાળકો કઈ રીતે રમતગમત ક્ષેઁત્રે આગળ આવી શકે તે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. વર્તમાન સમયમાં અનેક લોકે આરોગ્ય પ્રત્યે સજાગ ન હોવાથી તેમજ ખેલકૂદ કસરતોને બદલે મોબાઈલમાં જ વધુ સમય ગાળતા હોવાથી 10થી 15 વર્ષના બાળકોથી માંડી યુવાઓમાં વધી રહેલા હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે બાળકોને નાનપણથી જ શાળાના મેદાનમાં વિવિધ રમતોને મહત્ત્વ અપાય, તો શારીરિક અને સ્વાસ્થ્ય જળવાય સાથેસાથે માનસિક  આરોગ્ય પણ સારું રહે અને ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના રોગોથી બચી શકાય તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં કુદરતી આપત્તિ કે આગના બનાવો વખતે સલામતીની દૃષ્ટિએ પણ આવા મેદાનો હોવા જરૂરી છે, જેથી આફતો સામે રક્ષણ મળી શકે. હવે કચ્છમાં મેદાનવિહોણી શાળાઓ પર તાલુકાવાઈઝ નજર કરીએ, તો સૌથી વધુ માંડવી તાલુકામાં 101, રાપર 95,  ભુજ 85, અબડાસા 56, નખત્રાણા 50, ગાંધીધામ 43, અંજાર 38, ભચાઉ 33, મુંદરા 20 અને લખપત તાલુકામાં આઠ શાળા મેદાનવિહોણી હોવાનું સમગ્ર શિક્ષામાંથી જાણવા મળ્યું હતું. આ તો થઈ સરકારી શાળાઓની વાત, કચ્છમાં 400થી વધુ ખાનગી શાળા કાર્યરત છે, તે પૈકી 30થી વધુ શાળા એવી છે, જેમાં રમતના મેદાન નથી. ખરેખર તો જે સરકારી શાળાઓ પાસે મેદાન ન હોય તેવી શાળાઓને રેવન્યૂ તંત્રની મદદ લઈ જ્યાં ખરાબાની જમીન હોય ત્યાં તબદિલ કરવી જોઈએ, તો ખાનગી શાળાઓએ વ્યવસ્થા  કરવી જોઈએ અથવા તો શાળા જ બંધ કરવી જોઈએ, તેવો સૂર જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. મેદાનો ન હોવાથી મોટાભાગની શાળાઓમાં રમતગમત પ્રવૃત્તિ સાવ ઠપ પડી છે, જેના કારણે બાળકોનો શારીરિક વિકાસ રુંધાઈ રહ્યો છે અને બાળકો મોબાઈલ તરફ ઝૂકી રહ્યા છે, તો કેટલીક શાળા એવી છે જે અઠવાડિયે કે 1પ દિવસે નજીકના સ્થળે મેદાન હોય તો ત્યાં બાળકોને રમાડવા લઈ જતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારોના મતે અગાઉ મોટી અથવા તો બે-ચાર શાળા વચ્ચે સીપીએડ ડિગ્રી ધરાવતા વ્યાયામ શિક્ષકો હતા, જે બાળકોને ખેલકૂદની સાથેસાથે યોગ અને વ્યાયામ જેવી પ્રવૃત્તિ કરાવતા હતા, પરંતુ દાયકાઓથી આ કેડરના શિક્ષકોની ભરતી જ તંત્ર દ્વારા બંધ થઈ જતાં હાલના સમયમાં ગંભીર અને મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. દરમ્યાન આ અંગે  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક સાધતાં તેમણે મેદાનવિહોણી અંગે જવાબ આપવાનું ટાળી ભવિષ્યના આયોજન અંગે અજાણતા દર્શાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang