આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 19 : દેશના 16 નિવૃત્ત ન્યાયાધીશ, 123 પૂર્વ સનદી
અધિકારી અને 133 લશ્કરના પૂર્વ અધિકારીઓ મળી
કુલ 272 ગણમાન્ય વ્યક્તિવિશેષોએ કૉંગ્રેસ
નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટી ઉપર ગંભીર આરોપ
કરતો એક પત્ર લખ્યો છે. આ ખુલ્લા પત્રમાં આરોપ કરાયો છે કે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી
ચૂંટણી પંચ સહિતની બંધારણીય સંસ્થાઓ ઉપર જનતાનો ભરોસો ઉઠી જાય એવા પ્રયાસો કરી રહ્યા
છે. `ભારતીય ચૂંટણી પંચ ઉપર સુનિયોજિત હુમલો' એવા શિર્ષક સાથે આ પત્રમાં જણાવાયું હતું કે
કેટલાક વિપક્ષના નેતાઓ ઝેરીલા નિવેદનો અને આધાર-પૂરાવા વગરના આરોપ કરીને એવું બતાડવા
માગે છે કે દેશની બંધારણીય સંસ્થાઓ બરાબર કામ નથી કરી રહી. દેશની બહાદૂર સેના,
ન્યાયપાલિકા, સંસદ અને હવે કોંગ્રેસના નિશાને ચૂંટણીપંચ
છે. રાહુલ ગાંધી વારંવાર વોટચોરીના આરોપો કરતા રહે છે પરંતુ આજ સુધીમાં એમણે આ સંબંધે
કોઇ સત્તાવાર ફરિયાદ કે સોગંદનામું નથી કર્યું. એમના સો ટકા પુરાવા, એટમ બોમ્બ અને દેશદ્રોહ જેવા દાવાઓ કરવા પાછળનો આધાર શું છે એ સામે લાવી શક્યા
નથી. દેશના વ્યક્તિવિશેષોના હસ્તાક્ષર સાથેના
આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસ, વિપક્ષો અને એમની
સાથે જોડાયેલા બિનસરકારી સંગઠનો વારંવાર ચૂંટણીપંચને ભાજપની બી ટીમ કહીને બદનામ કરી
રહ્યા છે. પરંતુ પંચ હંમેશા પોતાની રીતે ડેટા અને પ્રક્રિયાઓ સાર્વજનિક કરી રહ્યું
છે. વિપક્ષના નેતાઓ તો અદાલતની નજર હેઠળ થયેલી તપાસ, પ્રકાશિત
ડેટા અને ગેરકાયદે મતદારોના હટાવાયેલા નામો સંબંધી વિગતોને પણ ખોટી સાબિત કરવાના પ્રયાસો
કરી રહ્યા છે, એ કમનસીબ છે. પૂર્વ અધિકારીઓના પત્ર મુજબ દેશની
બંધારણીય સંસ્થાઓ પરના આ હુમલા ચૂંટણીઓમાં
વારંવારની હારથી ઉપજેલી હતાશા ભરેલો ગુસ્સો છે. જ્યારે નેતાઓ જનતાથી દૂર થઇ જાય ત્યારે
પોતાની નબળાઇઓ છૂપાવવા સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા હોય છે. હારનું વિશ્લેષણ કરવાના
બદલે નાટકીય ઢબે આરોપો લગાવતા હોય છે. પત્રમાં વ્યક્તિવિશેષોએ ચૂંટણીપંચ અને નેતાઓને
સલાહ-સૂચન કરતા કહ્યું હતું કે ચૂંટણીપંચ સમયાંતરે જરૂરી ડેટા સાર્વજનિક કરતું રહે
અને જરૂર પડયે કાનૂની લડાઇ પણ લડે પરંતુ રાજકારણથી દૂર રહે. નેતાઓ પૂરાવા વગરના આરોપો
કરવાના બદલે નીતિઓ સંબંધી પ્રતિસ્પર્ધા કરે અને ચૂંટણીના પરિણામોને જનાદેશ સમજીને સ્વીકાર
કરે.