નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે
બુધવારે એક મોટો ફેંસલો લેતાં કેન્દ્ર સરકારના ટ્રિબ્યૂનલ સુધારા કાયદાને રદ કરી નાખ્યો
હતો. અદાલતે સ્પષ્ટપણે કહ્યું હતું કે, સંસદ મામૂલી બદલાવ કરીને કોર્ટના ફેંસલાને બદલી ન શકે. સુપ્રીમે જણાવ્યું હતું
કે, સરકારે એ જ જોગવાઈઓ કાયદામાં ફરીથી નાખી દીધી છે જે પહેલાં
પણ અદાલતે રદ કરી નાખી હતી. કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યકત કરતાં મુખ્ય ન્યાયમૂર્તિ
બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની ખંડપીઠે બુધવારે 137 પાનાના ફેંસલા દ્વારા 2021નો ટ્રિબ્યૂનલ સુધારા કાયદો
રદ કરી નાખ્યો હતો. આ સમગ્ર મામલો 2020 સાથે જોડાયેલો છે. નવેમ્બર 2020માં સુપ્રીમે ટ્રિબ્યૂનલના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ પાંચ
વર્ષનો નક્કી કર્યો હતો. સરકારે 2021માં નવો કાયદો
લાવીને કાર્યકાળ ચાર વર્ષનો કરી નાખ્યો, ત્યારબાદ મદ્રાસ બાર એસોસિયેશને સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. સાથોસાથ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર મહિનાના સમયગાળામાં રાષ્ટ્રીય ટ્રિબ્યૂનલ આયોગ
રચવા નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની
ખંડપીઠે કહ્યું હતું કે, આ કાયદો ન્યાયિક સ્વતંત્રતાના સિદ્ધાંતોનું
ઉલ્લંઘન કરે છે. ટ્રિબ્યૂનલ નિયુક્તિના સંબંધમાં અગાઉના અપાયેલા નિર્દેશોનો અમલ નહીં
કરવા બદલ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની
ખંડપીઠે સરકાર તરફથી એ જ પ્રકારની જોગવાઈ બીજી
વાર લાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અદાલત અગાઉથી જ જે જોગવાઈઓને રદ કરી ચૂકી છે તે જ જોગવાઈઓ પાછી
લાવવાની પહેલ સરકારે કરી હતી. સર્વોચ્ચ અદાલતે
જણાવ્યું હતું કે, કોઈ પણ ખામીને દૂર કર્યા વિના લેવાયેલાં આવાં
પગલાંને સ્વીકારી ન શકાય.