નખત્રાણા, તા. 20 : ભુજ લખપત ધોરીમાર્ગને જોડતો
દેશલપર (ગુંતલી) ફાટકથી હાજીપીર સુધી જર્જરિત 32 કિ.મી. માર્ગમાં સી. સી. રોડનાં નિર્માણ હેતુ રૂા. 95 કરોડની દરખાસ્ત કરાઇ હતી. આ
માટે ટેન્ડર મંજૂર થતાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. હાજીપીર પંથકના લોકોએ હાજીપીર
વલીની દરગાહ પર ચાદરવિધિ કરી ખુશી વ્યક્ત કરી હતી. આ સંદર્ભે ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ
જાડેજા તથા કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર, ઘડુલી-સાંતલપુર
માર્ગને જોડતો નમક ઉદ્યોગ તેમજ યાત્રા, ટૂરિઝમ સહિતના મહત્ત્વના વિસ્તારને જોડતા આ માર્ગનાં નિર્માણથી બોર્ડર વિસ્તારના વિકાસમાં
મોટો બદલાવ આવશે. માર્ગની મજબૂતી માટે ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે તંત્ર દ્વારા
કામનો ટૂંક સમયમાં વર્કઓર્ડર અપાશે તેવું ધારાસભ્યોએ જણાવ્યું હતું. આ રસ્તા કામનું
ટેન્ડર મંજૂર થતાં આ હાજીપીર ગામવાસીઓ દ્વારા ઉજવણીરૂપે હાજીપીરની દરગાહ પર ચાદર તાજપોશી
કરાઇ હતી તેવું જાગૃત નાગરિક ઉમેશ આચાર્યે જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર
હાજીપીર ગામ વિસ્તારમાં ધમધમતો નમક ઉદ્યોગ તથા હાજીપીર દાદાનાં સ્થાનકે વાહનોની અવર-જવર
સતત રહે છે. આ જર્જરિત માર્ગના નવીનીકરણ માટે અનેક વખત ધરણા આંદોલનોથી રસ્તા રોકો સહિત
જિલ્લા સ્તરે તંત્રના અધિકારી કલેક્ટર સુધી લેખિત, મૌખિક રજૂઆતો
કરાઇ હતી. વર્ષો જૂની માંગને અંતે સાંસદ અને ધારાસભ્યોના અખૂટ પ્રયત્નો દ્વારા રાજ્ય
સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા ત્રણ કિ.મી. માર્ગ સંપૂર્ણ સિમેન્ટ કોંક્રિટથી મજબૂતીકરણ
સાથે બનાવવા તથા 15 દિવસમાં કામગીરી
પૂર્ણ કરવા અંગે બાંહેધરી લેવામાં આવી હોવાનું જણાવાયું હતું.