રેવડી કલ્ચર ભારતીય રાજકારણની કડવી વાસ્તવિકતા બની ચૂક્યું છે
અને આ પ્રકારની યોજનાઓને કારણે 13 રાજ્યની તિજોરીઓ
પર વધારાની તાણ આવી રહી છે અને અનિવાર્ય કાર્યો તથા આ સ્કીમો માટેની વહેંચણી પછી માત્ર
30 ટકા રકમ જ વિકાસકાર્યો માટે
બચતી હોવાનું પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના હાલના અભ્યાસમાં સામે આવ્યું છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર
પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવાં 13 રાજ્યનો ખર્ચ તેમની આવક કરતાં
વધુ હોવાની ચોંકાવનારી વાત આ અહેવાલથી પ્રકાશમાં આવી છે. સરકારી કર્મચારીઓનું વેતન, પેન્શન તથા વ્યાજ અને કરજની રકમની ચૂકવણી જેવા
અનિવાર્ય ખર્ચમાં રેવડી યોજનાઓમાં થયેલા વધારાને કારણે રાજ્યના અર્થકારણમાં અનર્થ સર્જાઈ
રહ્યો છે. આવામાં નિયમિત ખર્ચ માટે રાજ્યોએ નવેસરથી કરજ લેવું પડે એવી સ્થિતિ સર્જાઈ
છે. આવાં રાજ્યોમાં મહારાષ્ટ્ર અવ્વલ સ્થાને છે, એ બાબત ચિંતા
ઉપજાવનારી છે. રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ
સમાજના વિવિધ વર્ગોને દર મહિને ચોક્કસ રકમ આપવાની જાહેરાત કરે છે અને સત્તામાં આવ્યા
બાદ આ વાયદાઓનો બોજ સરકારી તિજોરી પર પડે છે. હાલના સમયમાં મહિલા મતદારોને રીઝવવા માટે
વિવિધ યોજનાઓ એકથી વધુ રાજ્યોમાં શરૂ કરાઈ છે. મહારાષ્ટ્રની લાડકી બહીણ યોજના જેવી
યોજનાઓ ચૂંટણી જીતવાનો શ્યોર-શોટ માર્ગ સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
આ પ્રકારની યોજનાઓ માટે મફતની રેવડી એવો શબ્દ વહેતો કર્યો હતો, પણ ખુદ કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ નાગરિકને કોરેનાકાળથી નિ:શુલ્ક રાશન આપે છે, કિસાન સન્માન નિધિ ઉપરાંત, નિ:શુલ્ક ઘરો તથા રાંધણગેસ જેવી અનેક યોજનાઓ ચલાવે છે, તો વિવિધ રાજ્યોમાં કલર ટીવીથી લઈને, લેપટોપ તથા સાઈકલ
જેવી વસ્તુઓની લહાણી થાય છે. બિહાર ચૂંટણી દરમ્યાન એનડીએ તરફથી મુખ્યમંત્રી નીતીશકુમારે
બહેનોના ખાતાંમાં 10-10 હજાર જમા
કરાવ્યા એનો જંગી બોજો સરકારી તિજોરી પર પડવાનો. આ રેવડી કલ્ચર હવે ન્યૂયોર્ક સુધી
પહોંચી ગયું છે અને નિ:શુલ્ક બસ પ્રવાસનું વચન અમેરિકાની આર્થિક રાજધાનીમાં પણ ચૂંટણી
વિજયની ખાતરી બનવા લાગી છે. હાલમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ચિંતા વ્યક્ત કરી
હતી કે, મફત યોજનાઓને કારણે અનેક રાજ્યો મુશ્કેલીમાં
છે અને તેમને કરજ લેવાનો વારો આવવાનો છે. લોકોનું કલ્યાણ એ કોઈ પણ સરકારનું પ્રથમ કર્તવ્ય
હોય છે, આ સાથે જ રોજગારની તકો સાથે રોજગારક્ષમ માનવબળનું સર્જન
પણ સરકારની જવાબદારી હોય છે, પણ આપણી સરકારો આમાં નિષ્ફળ નીવડી
રહી હોવાનું જોવા મળે છે. આનું સાટું વાળવા અને સત્તા સુધી પહોંચવા માટે મફત યોજનાઓ
ટૂંકો રસ્તો સાબિત થઈ રહી છે, પણ સાથે જ અત્યારની પરિસ્થિતિ જોતાં
આ બાબત ટૂંકી બુદ્ધિ હોવાનું પણ પુરવાર થાય છે. લોકોને ઘરબેઠાં નાણાં આપવાની યોજનાઓ
તથા તેના દ્વારા મત બેન્કનું સર્જન કરનારા રાજકારણીઓ ગમે તે પક્ષના હોય એ દેશનું અહિત
કરી રહ્યા છે.