ગાંધીધામ, તા. 20 : કિડાણામાં આવેલી સ્વસ્તિક હોમ
સોસાયટીમાં મકાન બુક કરાવનાર યુવાનને ધાકધમકી કરી તેનાં કપડાં ઉતારી ગુપ્ત ભાગોમાં
મરચાં ભરાતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી યુવાન બી-ડિવિઝન પોલીસ મથકે
જતાં તેની ફરિયાદ લેવાઇ નહોતી. બાદમાં કોર્ટે આદેશ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
અંતરજાળના બજરંગીધામ-1માં રહેનાર
ભરત પબા પરમાર નામના યુવાને નીલેશ ચૌહાણ અને બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ યુવાનને મકાનની જરૂરત હોવાથી તેણે કિડાણાની સ્વસ્તિક હોમ સોસાયટીમાં મકાન બુક કરાવી
રોકડ રૂા. 1,50,000 તથા રૂા. 20,00,000ની લોન કરાવી હતી. ગત નવેમ્બર
2023થી તે તેના હપ્તા ભરતો હતો.
મકાન બનાવી આપવાનો સમય છ મહિનાનો હતો, પરંતુ મકાન તૈયાર ન થતાં આ આરોપી એવા નીલેશ ચૌહાણની ઓફિસમાં જતાં આ આરોપીએ
હાથ, પગ ભાંગી નાખવા અને મકાન તૈયાર થશે ત્યારે જણાવીશું તેવી
ધમકી આપી હતી. બાદમાં તા. 15/8/ 2025ના આ ફરિયાદીના મકાનનું કામ
ચાલુ હોવાથી સવારે ત્યાં ગયા હતા. પગપાળા આ સોસાયટીમાં જઇ ફરિયાદી પોતાનું મકાન જોઇ
રહ્યો હતો, ત્યારે ત્યાં અન્ય બે અજાણ્યા
શખ્સો ઊભા હતા, ત્યારે યુવાને આ શખ્સોને તમે પણ આ સોસાયટીમાં
મકાન બુક કરાવ્યું છે કે કેમ ? તેમ પૂછતાં તેમણે હા પાડી હતી
અને તમારું મકાન બતાવવા કહેતાં યુવાન તેમને પોતાનાં નવાં બનતાં મકાનમાં લઇ ગયો હતો,
જ્યાં આ બંને શખ્સે ગાળાગાળી કરી યુવાનને માર મારવા લાગ્યા હતા અને તું
નીલેશ ચૌહાણનું નામ કેમ ખરાબ કરે છે, અરજીઓ કરે છે અને વીડિયો
વાયરલ કેમ કરે છે તેમ કહી માર મારતાં યુવાને રાડારાડી કરતાં તેના મોઢે કપડું ભરાવી
બાદમાં તેનાં કપડાં ઉતરાવ્યાં હતાં અને આંખોમાં મરચાંની ભૂકી છાંટી હતી અને તેને નીચે
પટકી તેના ગુપ્ત ભાગોમાં મરચાં નાખ્યાં હતાં. અડધો કલાક બહાર ન નીકળજે તેવી ધમકી આપી
આ શખ્સો નાસી ગયા હતા. યુવાને બળતરા થતાં તેણે રાડારાડી કરતાં આસપાસના લોકો એકઠા થયા
હતા. તેને લૂંગી આપી 108 એમ્બ્યુલન્સ
મારફતે તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. દવાખાનાંમાંથી યુવાનને રજા મળ્યા બાદ તે પોલીસમાં
ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ પોલીસે
તેની ફરિયાદ લીધી નહોતી. ભોગ બનેલા આ યુવાનની પોલીસે ફરિયાદ ન લેતાં ન્યાય માટે તેણે
કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાંથી તા. 3/10/2025ના આદેશ થયા બાદ પોલીસે ગઇકાલે આ બનાવમાં ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી
છે.