• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

પૂર્વ કચ્છમાં વધુ 18 શખ્સનાં બિનઅધિકૃત વીજજોડાણ કપાયાં

ગાંધીધામ, તા.20 : પૂર્વ કચ્છમાં પોલીસે અસામાજિક તત્ત્વો વિરુદ્ધની કાર્યવાહી ઝુંબેશ જારી રાખી હતી અને 18 શખ્સનાં બિનઅધિકૃત વીજજોડાણો કાપી નાખી તેમને વીજદંડ ફટકારવામાં આવ્યો હતો. અંજાર પોલીસે વારંવાર ગુના આચરતાં તથા અસામાજિક તત્ત્વોની યાદીમાં જાહેર થયેલા શખ્સની તપાસ હાથ ધરી હતી, જેમાં વિજયનગરના વિજય કરસન ગઢવી તથા રામ કરસન ગઢવીએ બિનઅધિકૃત વીજજોડાણ મેળવ્યું હોવાનું બહાર આવતાં આ બંને વીજજોડાણ કપાવી બંનેને કુલ રૂા. 20,000નો દંડ ફટકારાયો હતો તેમજ હથિયારધારાના 10, એનડીપીએસના 10, બનાવટી ચલણી નોટના એક, પેટ્રોલિયમ ધારાના પાંચ શખ્સની પ્રવૃત્તિઓ તપાસવામાં આવી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કાર્ગોના વસીમખાન જમીરખાન શેખ તથા છોટેબાલ અમરત પાસવાનનાં વીજજોડાણ કપાવી નાખ્યાં હતાં. વસીમ સામે અગાઉ જુદી-જુદી કલમો તળે 12 ગુના નોંધાયેલા છે, તેને રૂા. 25,000નો વીજદંડ કરાયો હતો. છોટેબાલ સામે આઠ ગુના છે, તેને રૂા. 10,000નો દંડ ફટકારાયો હતો. આડેસર પોલીસે ટગાના જમાલ હાસમ હિંગોરજા, સિકંદર રસુલ ભટ્ટી, હનીફ અબ્દુલ હિંગોરજાનાં વીજજોડાણ કપાવી નાખ્યાં હતાં. ત્રણેયને કુલ 27,000નો દંડ કરાયો હતો. આ શખ્સો સામે આર્મ્સ એક્ટના ગુના નોંધાયેલા છે. કંડલા પોલીસે જુસબ સિધિક પઠાણ, બિલાલા ઉર્ફે કાનિયા  આનુ પારા, અબ્દુલ ઉર્ફે અનિલ સિધિક નિંગામણા, દાઉદ ઉર્ફે ગઢો ઈસ્માઈલ ખારા, અબ્બાસ આમદ છરેચા, હસન ગની મમણ, શોએબ હુસેન જાંગિયા, સુલેમાન હાસમ મમણનાં બિનઅધિકૃત વીજજોડાણ કપાવી નાખ્યાં હતાં. તમામને કુલ રૂા. 20,000નો દંડ કરાયો હતો. આ તમામ સામે પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઈપલાઈનની કલમો તળે ગુના નોંધાયેલા છે.  ગાગોદર પોલીસે રામસંગ છગન કોળી (રહે. ભીમદેવકા), લાધાજી રાજમલજી નંદાજી સમા (રહે. સમાવાસ કુંભારિયા), રાજુજી સુમરાજી મેઘરાજજી સમાનાં વીજજોડાણ કપાવી વીજદંડ ફટકારાયો હતો. 

Panchang

dd