• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

કચ્છના વિકાસની `હર્ષ'દાયક રફ્તાર

ભુજ, તા. 20 : ગુજરાતના ઊર્જાવાન ડેપ્યૂટી સી.એમ. હર્ષભાઈ સંઘવીએ આજે રાત્રે કચ્છમિત્ર ભવનની શુભેચ્છા મુલાકાત દરમ્યાન અનૌપચારિક ચર્ચામાં કચ્છનાં અર્થતંત્રને નવી દિશા આપવાની બ્લૂપ્રિન્ટ સમું શબ્દચિત્ર રજૂ કર્યું હતું. તેમણે કહ્યુંં કે, કચ્છ ગ્રામીણ સંસ્કૃતિથી ધબકતો અનોખો જિલ્લો છે. વિકાસની અપાર સંભાવના છે એવા આ કચ્છની કચ્છમિત્ર જેવું અખબાર ખૂબ સારી માવજત લઈ રહ્યું છે એ આનંદની વાત છે. અહીં એ નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા ઓગસ્ટમાં કચ્છમિત્ર ભવનમાં આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી કોઈ પણ અખબારી કાર્યાલયની તેઓની પહેલી મુલાકાત હતી. યોગાનુયોગ હર્ષભાઈ પણ ડે. સી.એમ. બન્યા પછી ચીલો જાળવી રાખતાં પ્રથમવાર કચ્છમિત્ર ભવન આવ્યા હતા.  સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત અખબાર જૂથના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા અને ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ તેમનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. બિહારમાં નવી સરકારના શપથવિધિમાં ભાગ લઈને લાંબી સફર કાપીને આવ્યા હોવા છતાં હર્ષભાઈ તાજગી અને ઊર્જાથી ફ્રેશ જણાયા હતા. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય તેમની સાથે હતા. ગ્રામીણ પત્રકારત્વ ક્ષેત્રે કચ્છમિત્ર દ્વારા કરાયેલું ખેડાણ સમગ્ર રાજ્ય માટે  નમૂનારૂપ છે અને તેમાં કચ્છનાં તમામ પાસાં અને ઈતિહાસને સાંકળતી સમૃદ્ધ રેફરન્સ લાયબ્રેરી અજોડ હોવાનો મત વ્યક્ત કરીને તેમણે રાજ્ય સરકારે આ પદ્ધતિમાંથી પ્રેરણા લેવા જેવી હોવાનું કહ્યું હતું. તંત્રી દીપક માંકડ, મેનેજર મુકેશ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલ પંડયા અને આસિ. મેનેજર હુસેન વેજલાણી સહિતના સભ્યોએ ઉમળકા સાથે સ્વાગત કર્યું હતું. અહીં એ નોંધનીય છે કે, બીએસએફની 61મી વર્ષગાંઠ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ સાથે હર્ષભાઈ કચ્છ આવ્યા છે. કચ્છમિત્રના વિવિધ વિભાગોની મુલાકાત લેવાની સાથોસાથ દરેક કર્મચારીને આત્મીય રીતે મળીને નાયબ મુખ્યમંત્રીએ તેમના સરળ અને મળતાવડા સ્વભાવનું પ્રતિબિંબ પાડયું હતું. મોકળા મને વાત કરતાં શ્રી સંઘવીએ પ્રવાસન ક્ષેત્રે કચ્છને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર સતત સક્રિય હોવાની માહિતી આપી હતી. હાર્દિકભાઈએ કચ્છમિત્ર અને ગ્લોબલ કચ્છ દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટીના સહયોગથી હાથ ધરાઈ રહેલા ભૂખી નદી નવસર્જનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટની વિગતો આપી હતી અને તેને પ્રવાસન સાથે સાંકળવાની કોઈ પણ યોજનામાં સહભાગી થવાની તૈયારી બતાવી હતી.  શ્રી સંઘવીએ પ્રવાસન વિભાગે ધરોઈ ડેમ વિસ્તારને અદ્યતન પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના પ્રયાસોની વિગતો આપીને કહ્યું કેકચ્છનું ટૂરિઝમ ખૂબ ઝડપે વિકસી રહ્યું છે ંત્યારે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને આકર્ષણનું કેન્દ્ર બનાવી શકાય. ભૂખી નદીનો ગ્લોબલ કચ્છનો પ્રકલ્પ એ દિશામાં ચાવીરૂપ બની શકે એમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ માટે સેવેલાં સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સતત ચિંતન કરતી હોવાનું જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, કચ્છનાં પ્રવાસનમાં ગ્રામીણ સંસ્કૃતિનો ઓપ વધારવા દેશી ભૂંગાથી માંડી દેશી આહાર સુધીની ખાસિયતો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. તેમણે દેશ અને વિદેશના પ્રવાસીઓ કચ્છની આ ભાતીગળ સંસ્કૃતિથી અભિભૂત હોવાનું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી સાથે પોલીસની બોર્ડર વિંગના ઈન્સપેક્ટર જનરલ ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસવડા વિકાસ સુંડા પણ સાથે રહ્યા હતા. 

Panchang

dd