• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

કોઠારામાં યોજાયો અબડાસા તા.નો ખેલ મહાકુંભ

મુંદરા, તા. 20 : બાળકોમાં ખેલ દ્વારા ખેલદિલીનો ગુણ વિકસે તે માટે દર વર્ષે `ખેલ મહાકુંભ' ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવે છે, જે અંતર્ગત અબડાસા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સહયોગથી નિવાસી આશ્રમશાળા અને ખાદી ગ્રામોદ્યોગ ભંડારકોઠારા ખાતે યોજાયો હતો, જેમાં 50થી વધારે શાળાનાં 1200થી વધારે બાળકોએ ભાગ લીધો હતોજેમાં  ખોખો, કબડ્ડી, ચેસ, વિવિધ અંતરવાળી દોડ, વોલીબોલ, ઊંચી કૂદ, ચક્રફેંક, ગોળાફેંક, રસ્સા ખેંચ, યોગાસન વિગેરે જેવી રમત સ્પર્ધા યોજાઈ હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 400 જેટલાં બાળકને શિલ્ડથી મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અબડાસા તાલુકાના કન્વીનર કિશોરાસિંહ જાડેજાના પ્રયાસોથી છેલ્લાં 25  વર્ષથી ચાલતા આ ખેલ મહાકુંભમાં આ વર્ષે બે બાલિકાઓ રાષ્ટ્રીય સ્તરે ચેસની રમત રમી રહી છે. રાજ્ય કક્ષાએ 210થી વધારે બાળક પહોચ્યાં છે. આ ખેલ મહાકુંભમાં દરેક રમતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા 200થી વધારે બાળક જિલ્લાકક્ષાએ રમવા જશે, જ્યારે 64 બાળક માધાપર મુકામે  જિલ્લા સ્તરની રમત-ગમત શાળામાં બેટરી ટેસ્ટ માટે જશે, જેમાં પસંદગી પામનાર બાળકનો રમતગમતની સંપૂર્ણ તાલીમનો  તમામ ખર્ચ આ શાળા દ્વારા કરવામાં આવશે.ખેલ મહાકુંભનાં ઈનામ વિતરણ અને સમાપન કાર્યક્રમમાં અદાણી સિમેન્ટ, સાંઘીપુરમના પ્લાન્ટ હેડ વિવેકકુમાર મિશ્રા  તથા અદાણી ફાઉન્ડેશનસાંઘીપુરમના સી. એસ. આર. હેડ માવજી બારૈયા, બી. આર. સી. કો-ઓર્ડિનેટર લખધીરાસિંહ જાડેજા, શિક્ષક મંડળના પ્રમુખ રામસંગજી જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા,ખાદી ગ્રામોદ્યોગ ભંડારના સંચાલક ખોડુભા જાડેજા, અદાણી ફાઉન્ડેશનના પ્રકાશ મકવાણા, નિશાંત જોશી તથા ભાવેશ એરડાએ વ્યવસ્થા સાંભળી હતી.કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મિશ્રાએ વિજેતા બાળકોને ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવવા માટેની શુભેચ્છા પાઠવી હતી. માવજીભાઇ બારૈયાએ અબડાસા જેવા છેવાડાના તાલુકામાં બાળકમાં પ્રતિભાને બહાર લાવવાનું ઉત્તમ કાર્ય ગણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રા. શાળા અધિકારી સતાર મારાએ ખેલાડીઓને આગળ વધવા  શુભેચ્છા પાઠવી હતી. લખધીરાસિંહ જાડેજાએ બાળકોને તક બદલ શિક્ષકોની જાગરૂકતા  બિરદાવી હતી. ખેલ મહાકુંભના સંયોજક  કિશોરાસિંહ જાડેજાએ આ છ દિવસ સુધી ખેલાયેલી વિવિધ રમતો, બાળકો તથા તેમના માર્ગદર્શકની મહેનતની ઝાંખી કરાવી હતી. સંચાલન કિશોરાસિંહ તથા મયૂરભાઈ દ્વારા જ્યારે આભારવિધિ રામસંગજી જાડેજાએ કરી હતી.  

Panchang

dd