• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ગાંધીધામમાં કારે બાઈકને અડફેટે લેતાં યુવાનનો જીવ ગયો

ગાંધીધામ, તા. 20 : અહીંના સપનાનગર ચાર રસ્તાથી કિડાણા તરફ જતા રોડ પર કારે બાઈકને હડફેટે લેતાં પ્રદીપ બદ્રીપ્રસાદ ધનારામ જાટોલિયા (ઉ.વ. 28) નામના યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા ફરિયાદી બદ્રીપ્રસાદભાઈ અચરૂલાલના ઘરે કિડાણા ખાતે ગઈકાલે પ્રસંગ હતો, જેથી ફરિયાદી પોતાના પરિવાર સાથે ત્યાં જમવા આવ્યા હતા, પરંતુ પ્રદીપ ન આવતાં ફરિયાદીએ તેને ફોન કર્યો હતો. યુવાન પુત્રએ થોડીવારમાં આવવાનું કહ્યું હતું. બાદમાં આધેડ અને પરિવારે જમી પરવારી લેતાં તે પોતાનું એક્ટિવા લઈને પરત ખોડિયારનગર જઈ રહ્યા હતા, ત્યારે સપનાનગરથી કિડાણા જતા રોડ પર લોકોનું ટોળું જણાતાં ફરિયાદી ઊભા રહી ગયા હતા, ત્યાં તેમનો દીકરો પ્રદીપ લોહી-લુહાણ હાલતમાં પડયો હતો. આ યુવાન બાઈક નંબર જી.જે.-39-ઈ-0844 લઈને કિડાણા જઈ રહ્યો હતો, ત્યારે આઈ-20 કાર નંબર જી.જે.-05 - આર.એફ- 5469ના ચાલકે તેને હડફેટે લીધો હતો અને બાદમાં આ કાર ખાડામાં પડી હતી.  ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતનાં પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd