ભુજ, તા. 20 : અદાણી સંચાલિત ગેઈમ્સ જી. કે.
જનરલ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય નવજાત શિશુ
સુરક્ષા અઠવાડિયાની ઉજવણી અંતર્ગત તબીબોએ હેલ્થ કેરના સંવાહકોને માતાનું દૂધ બાળકોની
રોગપ્રતિકારક શક્તિ વધારી જીવનની ઢાલ બની રહેશે તેવો સંદેશો વહેતો કરવા અનુરોધ કર્યો
હતો. હોસ્પિટલના બાળરોગ વિશેષજ્ઞ ડો. સંદીપ ટીલવાણીએ શિશુને પ્રથમ છ માસ માતાનું દૂધ
આપવાની ભલામણ કરી સુરક્ષા, ગુણવતા અને
પોષણ પ્રત્યેક નવજાત માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ડો. રેખાબેન થડાનીએ નવજાત ઠંડી
પ્રત્યે અધિક સંવેદનશીલ હોતા શુષ્ક હવાને કારણે ત્વચા શુષ્ક ન બને તેની સંભાળ અને સંક્રમણથી બચવા માટે ભાર મૂક્યો હતો.
નવજાત શિશુ સુરક્ષા વીક દરમિયાન અપરિપક્વ શિશુના
માતાપિતા સાથે સંવાદ, પોસ્ટર હરીફાઈ, ફાયર
સેફ્ટી અને ઇમરજન્સી કોડની સમજ, ચેપ સામે રક્ષણ તથા મેડિકેશન
તથા નવજાત માટે અસરકારક અને સલામત પરિવહન સુનિશ્ચિત કરવા રેસિ. તબીબો તથા નર્સિંગ સ્ટાફને માર્ગદર્શન અપાયું
હતું. પોસ્ટર હરીફાઈમાં પ્રથમ આવનારા નર્સિંગ વિદ્યાર્થી આંબલિયા ધર્મિષ્ઠા હર્ષદભાઈએ
નવજાત શિશુમાં ચેપનો અટકાવ તથા દ્વિતીય નંબરે આવનારી ખેર ક્રિષ્ના વિનુભાઇએ એન્ટિબાયોટિકનો
યોગ્ય ઉપયોગ અંગેનાં પોસ્ટર બનાવ્યાં હતાં. ઉજવણીમાં ડો. યશ્વી દતાણી, ડો. તરલ કેસરાણી સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ વિ. જોડાયા
હતા. વર્ષ 2025 માટે નવજાત
માટે સુરક્ષિત સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત દેખભાળ પ્રત્યે દેશમાં જાગૃતિ કેળવવાના સંકલ્પ
રૂપે `નવજાત સુરક્ષા: દરેક સ્પર્શ, દરેક વખતે અને દરેક શિશુ માટે' થીમ રખાઈ હોવાનું ડો. ટીલવાણીએ જણાવ્યું હતું.