• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

નક્સલવાદના અંતનું લક્ષ્ય હાથવેંતમાં : હિડમાનો ખાતમો

દેશમાં દાયકાઓથી નક્સલવાદની લોહિયાળ ચળવળના ખાતમા માટેના જંગને હવે નોંધપાત્ર સફળતા સાંપડી રહી છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોની અવિરત કાર્યવાહીનાં પરિણામે આવતાં વર્ષે 31મી માર્ચ સુધીમાં નક્સલવાદના અંતનું લક્ષ્ય હવે હાંસલ થઈ શકે એવો ભરોસો જાગ્યો છે. સલામતી દળોએ ટોચના નક્સલવાદી કમાન્ડર માડવી હિડમાનો ખાતમો કરીને બે વર્ષથી ચાલતી શોધનો સફળ અંત કર્યો છે. સલામતી દળોએ આ મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીને ઠાર કરીને આ ચળવળના ટોચનાં નેતૃત્વને મોટો આંચકો પણ આપ્યો છે. લગભગ બે દાયકાથી દેશમાં લગભગ તમામ મોટા નક્સલી હુમલા પાછળ ચાવીરૂપ રહેલા હિડમાએ દંડકારણ્યનાં જંગલોને પોતાની હકૂમત પ્રસ્થાપિત કરી હતી. તે પીપલ્સ લિબરેશન આર્મીની ગેરીલા બટાલિયનનો વડો પણ હતો. ઉલ્લેખનીય છે કે, આવતાં વર્ષ સુધી દેશને નક્સલવાદથી મુક્ત કરવાનાં લક્ષ્યને હાંસલ કરવા સતત સક્રિય સલામતી દળોએ આ અગાઉ ગયા મે મહિનામાં સીપીઆઈ (માઓવાદી)ના મહામંત્રી નરસિંહા ઉર્ફે નંબાલા કેશવ રાવને ઠાર કર્યો હતો. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમ્યાન સલામતી દળોની અલગ-અલગ કાર્યવાહીમાં 300થી વધુ નક્સલવાદી માર્યા ગયા છે, તેમાં તેના પોલિટ બ્યૂરોના અમુક સભ્યો પણ હતા. ચોતરફથી વધી રહેલાં દબાણને લીધે નક્સલવાદીઓ હવે મોટાપાયે આત્મસમર્પણ પણ કરી રહ્યા છે અને તેની ચળવળ બહુ મર્યાદિત વિસ્તારમાં રહી ગઈ છે.  હિડમાનું એન્કાઉન્ટર આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ વચ્ચેના સરહદી વિસ્તારમાં થયું હતું. એમ મનાય છે કે, હિડમા છત્તીસગઢમાં ચોતરફથી દબાણ વધી રહ્યંy હોવાને લીધે આંધ્રપ્રદેશથી પોતાની પ્રવૃત્તિ ચલાવવાની વેતરણમાં હતો. હવે સલામતી દળોએ બસ્તર અને અબુઝમાડ વિસ્તારમાંથી હાંકી કઢાયેલા નક્સલવાદીઓ અન્યત્ર પોતાનો ગઢ ઊભો ન કરે તેની ખાસ તકેદારી રાખવી પડશે.આમ તો સરકારે નક્સલવાદીઓની સામે બે સ્તરીય વ્યૂહરચના અપનાવી છે.  એક તરફ તો સલામતી દળોની કાર્યવાહી વધુ અસરકારક બનાવાઈ છે, તો બીજી તરફ નક્સલવાદીઓ શત્ર છોડીને આત્મસમર્પણ કરે તે માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે. આમાં પણ સરકારને સારી એવી સફળતા મળી રહી છે. આ ચળવળના સભ્યો શાંતિનો માર્ગ અપનાવીને મુખ્યધારામાં સામેલ થશે ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકશે. ખરેખર તો આ બે સ્તરીય વ્યૂહરચના હવે જ્યારે સફળ થઈ રહી છે, ત્યારે સરકારે નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસનાં કામો હાથ ધરવા માટે પણ ખાસ ધ્યાન આપવું પડશે. દાયકાઓથી માળખાંકીય અને સમાજિક ક્ષેત્રના અભાવથી ત્રસ્ત આ વિસ્તારના લોકોને તે સુવિધાઓ પૂરી પાડીને તેમને વિકાસનાં ફળ આપવા શરૂ કરવા જોઈએ. સાથોસાથ આ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરીને લોકોને ગરીબીની રેખાથી બહાર લાવવા પર ધ્યાન આપવાથી નક્સલવાદી વિચારધારાનો ધરમૂળથી છેદ ઊડી જશે. 

Panchang

dd