• સોમવાર, 22 જુલાઈ, 2024

મોસમે મિજાજ બદલતાં ખેતપેદાશોને અસર

શાંતિલાલ લીંબાણી દ્વારા : વિથોણ (તા. નખત્રાણા), તા. 2 : ઉનાળાનો ઓશિયો ખેડૂતોને અકળાવે છે ત્યારે ખેતી પેદાશો ઉપર ઝળૂંબતો ખતરો છાટાં પડશે તો બાવાના બેઉ બગડશે તેવો તાલ સર્જાઈ શકે છે. નખત્રાણા પંથકની ખેતી પેદાશો ઉપર જાણે માઠી દશા બેઠી હોય તેવા આકાશી અણસારનાં એધાણ વર્તાય છે. દાડમ અને કેરીઓની ફસલ આકાશી આફતની ભેટ ચડી ગઈ છે. ફુગ અને ફ્લાયનાં કારણે દાડમનાં ફળોની ગુણવત્તા બગડી ગઈ છે, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. બીજી બાજુ કેસર કેરી અને દેશી કેરીના મોર ખરી પડયા છે, જેના કારણે વૃક્ષમાં કેરી જોવા મળતી નથી અને અમુક વિસ્તારમાં તો ઝાડ ઉપર ફળ દેખાતાં નથી અને જે છે  તે પણ કરમાઈને ખરી પડે છે. જેના કારણે આંબાના બગીચા ધરાવતા ખેડૂતો ડગાઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મોસમના બદલાતા મિજાજને કારણે બાગાયતી પેદાશોને ભારે નુકસાન થયું છે. ખેડૂત અગ્રણી ગંગારામભાઈ અને નવીનભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ કેસર કેરીની આવી ખરાબ દશા ક્યારેય જોઈ નથી. પાણી-ખાતરની ભરપૂર માવજત છતાં ઝાડ ઉપર ફળો રહેતાં નથી. કુમળી કેરી ખરી પડતાં અથાણા માટે પણ સાંસા પડે તેમ છે. 2023 અને 24નું વર્ષ ખેતી પેદાશો માટે ઝાઝી ભલીવાર જેવું નથી. મોસમના બદલાતાં મિજાજ અને પાતાળી પાણી લાગુ થવાથી પંથકની ખેતી પેદાશો ઉપર ખૂબ માઠી અસર થઈ છે અને ઉત્પાદન ખૂબ ઘટયું છે. તેમાં બાગાયતીની સાથે તેલીબિયાં અને ધાન્ય પેદાશોમાં ઘટ આવી છે જેનાથી નાના ખેડૂતોની મુસીબતમાં વધારો થયો છે તેવું ખેડૂત અગ્રણી શાંતિલાલ નાથાણીએ જણાવ્યું હતું. હાલ પંથકના ખેડૂતો ઉપર માઠી દશા બેઠી છે. ધાન્ય પેદાશોની ખેતી કરતા ખેડૂતો જણાવે છે કે, લગભગ તમામ ખેડૂતો પાક ધિરાણ જેવી લોન ઉપર નિર્ભર છે, જ્યારે ઉત્પાદન ઓછું થાય અને પોષક ભાવ મળે ત્યારે લોનનું વ્યાજ ચૂકવવા માટે ફાંફાં મારવા પડે છે. બીજી બાજું વાવાઝોડાંને કારણે ખેતી પેદાશોમાં થતાં નુકસાનનો સર્વે થાય છે, પણ એકાદ બે ખેડૂતોને બાદ કરતા ખેડૂતોને નુકસાનનું વળતર મળતું નથી. વર્તમાન સમયમાં પંથકની ખેતી કુદરતને ભરોસે ચાલતો વ્યવસાય છે, જેમાં ઘણીવાર આવક કરતાં ખર્ચ વધી જાય છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang