• શનિવાર, 27 જુલાઈ, 2024

ધ્યેયને હાંસલ કરવા જીવનમાં `સ્કેટિંગ' સંતુલન જરૂરી

ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન કચ્છ, સેફ કચ્છ, ફિટ કચ્છ, સ્માર્ટ કચ્છના સૂત્ર સાથે રાત્રિ મેરેથોનનાં આયોજનના ભાગરૂપે આજે સવારે પ્રાણીઓ માટે પેટાથોન અને સાંજે સ્કેટાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કેટાથોનનો પ્રારંભ કરાવતા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ મોટી સંખ્યામાં સ્પર્ધકોને ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. શહેરના ડી.પી..ના મેદાનમાં સ્કેટાથોનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ પ્રારંભમાં ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં કહીને હળવી રમૂજ કરી હતી. બહોળી સંખ્યામાં સ્પર્ધકો, બાળકો ઉપસ્થિત રહ્યા તે બદલ આવા આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. બાળકોમાં ઉત્સાહ, ઉમંગ દેખાય છે. નાનાં બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું તેમ કહીને તેમણે જે બાળકોને વાલીઓ અહીં લાવવા માટે દ્વિચક્રિય વાહનો લઇને આવ્યા હોય તેમને હાથ ઊંચો કરવા કહ્યું હતું. વાહન ચાલકો પૈકી જેટલા લોકો વાહન  ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને આવ્યા હોય તેવા લોકોના પણ હાથ ઊંચા કરાવ્યા હતા. લોકોએ પોતાનાં બાળકોને સ્કેટિંગ માટે હેલ્મેટ પહેરાવ્યા છે તો વાહનો પર શા માટે નહીં ? તેવો પ્રશ્ન કરી બાળકો પોતાના વાલીઓને હેલ્મેટ પહેરવા સમજાવે તેવી અપીલ કરી હતી અને આવતીકાલથી તમામ લોકો હેલ્મેટ પહેરે તેવી ખાસ વિનંતી તેમણે કરી હતી. બાળકોને તેમણે શીખ આપતાં જણાવ્યું હતું કે સ્કેટિંગમાં મહત્ત્વની વાત છે સંતુલન ત્યારે પોતાનાં જીવનમાં પણ ધ્યેય, હેતુને પહોંચી વળવા માટે સંતુલન જરૂરી છે. જીવનમાં પણ સંતુલન જાળવી રાખવા તેમણે જણાવ્યું હતું. આયોજન ડ્રગ્સ અને સ્વચ્છતાની જાગૃતિ માટે છે તેને જીવનમાં ઉતારવા અપીલ કરી સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારએ સ્કેટાથોનમાં 600  ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો તે બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો. રાત્રિ મેરેથોનના આયોજન માટે 12 હજાર ઉપરાંતની નોંધણી થઇ ચૂકી છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાય અને બોર્ડર રેન્જના આઇ.જી.પી. જે. આર. મોથાલિયાની પ્રેરણાથી આયોજન થઇ રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. પ્રસંગે ડી.પી..ના ચેરમેન એસ. કે. મહેતા, ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા, આઇ.જી.પી. જે.આર. મોથાલિયા, કાસેઝના ડી.સી. દિનેશ સિંઘ, અનુરાધા સહાય, કાસેઝના હિમાંશુ ગુણાવત, બી.એસ.એફ.ના રાજકુમાર, સંજય અવિનાશ, બી.એસ. રાવત, જિલ્લા સરકારી વકીલ - ધારાશાત્રી કલ્પેશ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોનું સ્મૃતિચિહ્ન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સહિત તમામ ઉપસ્થિતોએ ઝંડી ફરકાવીને સ્કેટાથોનનો પ્રારંભ કરાવ્યો હતો. વેળાએ  સવારે યોજાયેલ પેટાથોનનું ટીવી ઉપર નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો, સ્પર્ધકોની કિલકારીઓથી ટાગોર રોડ ગાજી ઊઠયો હતો. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા હતા. આભારવિધિ ડીવાયએસપી મુકેશ ચૌધરીએ કરી હતી. સ્કેટાથોનના કાર્યક્રમમાં આવેલા રાજ્યના પોલીસવડાને ઇફકો વસાહતમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાત્રિ મેરેથોન અંતર્ગત આજે શર્મા રિસોર્ટ ખાતે પેટાથોનના કાર્યક્રમમાં 100 જેટલા શ્વાનોએ ભાગ લીધો હતો જેમાં પોલીસના બે શ્વાનોએ કરતબ કરી સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. પોલીસના શ્વાનોએ પોલીસવડા સાગર બાગમારને સલામી આપી હતી. અન્ય લોકોના શ્વાનોએ પણ જુદા-જુદા કરતબ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang