અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) :દેશભરમાં હાથ ધરાનારી મહત્ત્વાકાંક્ષી વસ્તી ગણતરી
2027 અંતર્ગત ગુજરાત રાજ્યમાં વહીવટી
તંત્ર સજ્જ બન્યું છે. વહીવટી શિસ્ત, આધુનિક ટેક્નોલોજી અને વિવિધ સરકારી વિભાગોના સઘન સહયોગ થકી ડિજિટલ વસ્તી ગણતરીનો
તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરીના દ્વિતીય ચરણ એટલે કે વસ્તીની વાસ્તવિક
ગણતરી માટેની પૂર્વતૈયારીઓ, ક્ષેત્રીય સ્તરની વ્યવસ્થાઓ અને વહીવટી
માળખાંની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય `જનગણના સંકલન સમિતિ'ની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય સચિવ એમ.કે. દાસ દ્વારા કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા. બેઠક દરમિયાન વસ્તી ગણતરી કામગીરીના વ્યાપક ક્ષેત્ર, તાલુકા અને જિલ્લાકક્ષાએ પ્રશાસનની સજ્જતા તથા ફિલ્ડ સ્ટાફની નિયુક્તિ અંગે
પ્રાથમિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સમિતિને માર્ગદર્શન આપતાં મુખ્ય સચિવ એમ.કે. દાસે સરકારના તમામ
સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટર કચેરીઓ
અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે ત્રુટિરહિત આંતરવિભાગીય સંકલન જાળવવા પર ભાર
મૂક્યો હતો. કામગીરી દરમિયાન ક્ષેત્રીય સ્તરે આવતા કોઈ પણ અવરોધોનું તાત્કાલિક નિવારણ
લાવવા. ગ્રામીણથી શહેરી વિસ્તારો સુધી પ્રત્યેક નાગરિકનો ડેટા ચોકસાઈપૂર્વક નોંધાય
તે સુનિશ્ચિત કરવા તેમણે તાકીદ કરી હતી. બેઠકમાં સમિતિના સંયોજક અને ગુજરાત જનગણના
નિર્દેશાલયના નિયામક સુજલ જે. મયાત્રાએ એક વિગતવાર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું. તેમણે આગામી તબક્કાના રોડમેપની રૂપરેખા આપતાં જણાવ્યું કે, આ વખતના સર્વેક્ષણમાં આધુનિક ડિજિટલ સાધનો અને પ્રણાલીઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.