નવી દિલ્હી, તા.16 : દેશનાં નાણામંત્રી
નિર્મલા સીતારામને બુધવારે જણાવ્યું હતું કે, વેરાનીતિ પર સ્વતંત્ર સંશોધન અને વ્યાપક જાહેર ચર્ચા કરાય તે જરૂરી છે. યુપીઆઈ
પર ચાર્જને મુદ્દે નારાજી વચ્ચે તેમણે કહ્યું હતું કે વેપારીઓએ વેરામુક્તિ,
રાહતની માંગ કરતા પહેલાં દેશહિતને ધ્યાનમાં રાખવું જોઈએ. નાણાપ્રધાને
વેરા વ્યવસાયીઓને પ્રાદેશિક અને વેરાક્ષેત્રનાં તેમનાં હિતોથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય
હિતને પ્રાથમિક્તા આપવાની અપીલ કરી હતી. બેંગ્લોરમાં ઈન્ટરનેશનલ ટેક્સ રિસર્ચ એન્ડ
એનાલિસીસ ફાઉન્ડેશન દ્વારા નવા દોરની વેરા વ્યવસ્થા પર યોજિત આઠમી આંતરરાષ્ટ્રીય વેરા
પરિષદમાં સીતારામને આવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વેરાનીતિ
પર એક સમજણભરી ચર્ચામાં માત્ર કોઈ ખાસ ક્ષેત્રનાં હિતોથી આગળ વધીને વિચારવાની જરૂર
છે. સીતારામને કહ્યું હતું કે, સરકારે ઈરાદાપૂર્વક ટીડીએસ અને
ટીસીએસના નિયમોને તર્કસંગત બનાવ્યા છે. તેની મર્યાદા વધારી છે. આંતરરાષ્ટ્રીય વેરાના
સંદર્ભમાં નાણામંત્રી બોલતાં હતા કે, ભારતે મોરેશિયસ,
સિંગાપુર અને સાઈપ્રસ સાથે વેરા સંધિ પર ફરી ચર્ચા કરી છે. સીતારામને
જણાવ્યું હતું કે, મુશ્કેલીભર્યા વૈશ્વિક વાતાવરણ વચ્ચેય ભારત
સારી સ્થિતિમાં છે. ટેરિફની ધમકીઓ અને ત્રણ યુદ્ધને તેમણે મોટા પડકાર લેખાવ્યા હતા.