અયોધ્યા, તા. 18 : રામમંદિર ચડાવાચોરીના શરમજનક
કાંડમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સીટે ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દીધો છે, જેમાં ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાય અને
સભ્ય ડો. અનિલ મિશ્રાનાં નામ નથી, જ્યારે બાકીના આઠ આરોપી અગાઉ
જ જેલમાં છે. જો કે, અમુક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે,
અનિલ મિશ્રાનું નામ સીટ રિપોર્ટમાં સામેલ છે અને તેમની ભૂમિકા સામે શંકા
વ્યક્ત કરવામાં આવી છે. યુપીના ગૃહ વિભાગે તપાસનો રિપોર્ટ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત
નૃત્યગોપાલ દાસને સોંપી દીધો છે. રામમંદિર ટ્રસ્ટની બીજી સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં
રજૂ કરાશે. સરકારે 13મી જૂને લખનઉ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિજય વિશ્વાસના અધ્યક્ષપદે
ત્રણ સભ્યની સીટ ટીમ રચી હતી. આઈજી રેન્જ કિરણ એસ. અને નાણા મંત્રાલયના ખાસ સચિવ નીલ
રતન કુમાર તેમાં સભ્ય હતા. 23મી જૂને સીટે
પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો, ત્યારબાદ
સુપ્રીમ કોર્ટે સીટની કમાન આઈપીએસને સોંપવા માટે નિર્દેશ આપ્યા હતા. 20મી જુલાઈએ નવી સીટ રચાઈ હતી, જેમાં લખનઉ રેન્જના આઈજી કિરણ એસ. ઉપરાંત અયોધ્યાના
ડીઆઈજી સોમેન વર્મા અને અયોધ્યા એસએસપી ગૌરવ ગ્રોવરને સામેલ કરવામાં આવ્યા હતા. વિવાદ
વધતાં ચંપત રાયે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દરમ્યાન, તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદ્ગુરુ પરમહંસ આચાર્યએ સીટની તપાસ અને રિપોર્ટને
લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. અમને આશા છે કે, મંદિરમાં ભવિષ્યમાં
આવી ઘટના બનશે નહીં. યુપી કોંગ્રેસે દાવો કર્યો છે કે, જો યોગ્ય
રીતે તપાસ થશે તો ગોટાળાના તાર આરએસએસ સુધી પહોંચશે.