• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ફાંસીની વ્યવસ્થા ખતમ કરવા સુપ્રીમની ના

નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે આજે મૃત્યુદંડ માટે ફાંસીની વર્તમાન વ્યવસ્થા સમાપ્ત કરવાની માંગ કરતી અરજી ફગાવી હતી. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે જણાવ્યું હતું કે ફાંસીને ગેરબંધારણીય ગણાવી શકાય તેવો હાલમાં કોઈ આધાર નથી. અરજીમાં ફાંસીને ક્રૂર, અમાનવીય અને દર્દનાક બતાવવામાં આવી હતી. તેની જગ્યાએ ઝેરનાં ઈન્જેક્શન, ગોળી મારવા સહિતના ચાર વૈકલ્પિક ઉપાયોથી મૃત્યુદંડની સજાનો અમલ કરવાની માંગ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે એમ પણ જણાવ્યું હતું કે અરજી ફગાવી દેવાનો અર્થ એ નથી કે ભવિષ્યમાં બંધારણીય સમીક્ષાનો રસ્તો બંધ થઈ ગયો છે. જો નક્કર વૈજ્ઞાનિક, મેડિકલ અથવા અનુભવજન્ય પુરાવા સામે આવશે તો આ મુદ્દાની ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિશેષજ્ઞોની સમિતિ બનાવીને વર્તમાન ફાંસીની વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરી શકે છે. અનાવશ્યક પીડા ઓછી કરવા અને દોષીની ગરિમા જળવાય તેવો કોઈ વૈકલ્પિક ઉપાય છે કે નહીં  તે બાબતની તપાસ સમિતિ કરી શકે છે. વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ વર્ષ 2017માં આ અરજી દાખલ કરી હતી. ફાંસીની પ્રક્રિયામાં 40 મિનિટથી વધુ સમય લાગી શકે છે ગોળી મારવામાં માત્ર થોડી મિનિટ અને ઝેરી ઈન્જેક્શનમાં આશરે પાંચ મિનિટ લાગવાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો.

 કેદીને વિકલ્પ મળવો જોઈએ : અરજીમાં કરાઈ માંગ

અરજીમાં સીઆરપીસીની કલમ 354(5)ને ગેરબંધારણીય ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ કલમ હેઠળ મોતની સજા મેળવનારા દોષીને જ્યાં સુધી તેનું મોત ન થાય ત્યાં સુધી ગરદનથી લટકાવવામાં આવે છે. અરજદારે તેને બંધારણની કલમ 21માં મળેલા જીવન અને ગરિમાના અધિકારની વિરુદ્ધ લેખાવી હતી. મલ્હોત્રાએ એમ પણ જણાવ્યું હતું કે મોતની સજા મેળવનારા કેદીને ફાંસી અને ઝેરના ઈન્જેક્શનમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાની મંજૂરી હોવી જોઈએ.

Panchang

dd