• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

એનટીએમાંથી 600 નિષ્ણાત હટાવાયા

નવી દિલ્હી, તા. 18 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની પરીક્ષાઓમાં સતત થતી ગેરરીતિઓ અને ભૂલોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પરીક્ષા પ્રણાલીમાં મોટા ફેરફારો શરૂ થયા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષાઓની પારદર્શિતાને ધ્યાનમાં રાખીને એનટીએએ પ્રશ્નપત્ર તૈયાર કરનારાઓની તેની અગાઉની ટીમને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. આ મોટા પગલાંથી લગભગ 600 નિષ્ણાતોને દૂર કરવામાં આવ્યા છે. જેઓ લાંબા સમયથી વિવિધ પરીક્ષાઓ માટે પ્રશ્નપત્રો તૈયાર કરી રહ્યા હતા. હવે તેમના સ્થાને નવી ટીમ બનાવાશે.  એનટીએના કાર્યાલયોને નવા પરિસરોમાં સ્થાનાંતરિત કરીને ત્યાં સીઆઈએસએફની સુરક્ષા પણ વધારવામાં આવશે. શિક્ષણ મંત્રાલય અનુસાર પેપર સેટિંગની દેખરેખ માટે હવે એક નવી ટીમની રચના કરવામાં આવી છે. વધુમાં ચાર સ્તરીય સુરક્ષા સમીક્ષા અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં ભવિષ્યમાં પરીક્ષામાં થતી ગેરરીતિઓને રોકવા માટે ઓછામાં ઓછા ચાર સ્તરે પ્રશ્નપત્રોની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જૂનમાં યોજાયેલી યુજીસી-નેટ પરીક્ષા પછી ત્રણ મુખ્ય વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાત્રના પ્રશ્નપત્રો પર મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, સમાજશાત્રના પેપરમાં મૂળભૂત જોડણી, વ્યાકરણ અને અનુવાદની ભૂલો હતી. પરીક્ષામાં જાણીતા વિચારકોનાં નામ પણ ખોટી રીતે લખવામાં આવ્યાં હતાં. `િરટ્ઝર'ને `પુત્ઝર', `પાર્સન્સ'ને `પાર્સો', `ધુર્યે'ને `ધુન્યે' અને `એ. આર. દેસાઈ'ને `એ. કે. દેસાઈ' ખોટી રીતે લખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, હિન્દી અનુવાદ ખૂબ  જ ખરાબ હતો અને કેટલાક પ્રશ્નો એઆઈ નિર્મિત લાગે છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, એનટીએની પરીક્ષા ટીમમાં ધરમૂળથી ફેરફાર કરી 600 નિષ્ણાતને હટાવાયા છે. આગામી બે-ત્રણ સપ્તાહમાં 20થી 2પ અધિકારીને સામેલ કરવામાં આવશે. એનટીએના આ આંતરિક ધરમૂળથી સુધારાનો મુખ્ય ઉદ્દેશ દેશભરના લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવાનો અને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની વિશ્વસનીયતા પુન: સ્થાપિત કરવાનો છે. નવી ચાર સ્તરીય પરીક્ષા પ્રણાલીથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ઉમેદવારોને આગામી પરીક્ષાઓમાં કોઈ ખામી કે અસુવિધાનો સામનો ન કરવો પડે.

Panchang

dd