કોલંબો, તા. 17 : એશિયા કપ-ર0ર3ના ફાઇનલમાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજે રીતસરનો તરખાટ મચાવ્યો હતો. તેણે 21 રનમાં 6 વિકેટ ઝડપીને શ્રીલંકાનાં સૂપડાં સાફ કરી નાખતા ભારતે 10 વિકેટે સરળ વિજય મેળવ્યો છે અને આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. 1984માં પહેલાં એશિયા કપમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું આમ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રવિવારે એકતરફી મુકાબલામાં શ્રીલંકાનો દાવ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં સમેટાયા બાદ ટીમ ઇન્ડિયાએ માત્ર 6.1 ઓવરમાં વિના વિકેટે પ1 રનનું લક્ષ્ય પાર પાડી ખિતાબ પોતાને નામ કર્યો હતો. આજે છઠ્ઠીવાર ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. એશિયા કપ વન ડે ફોર્મેટમાં ભારતનો શ્રીલંકા સામે આ 11મો વિજય હતો. સિરાજે ઝડપી પાંચ વિકેટ ખેડવવામાં શ્રીલંકાના પૂર્વ પેસર ચામિંડા વાસના રેકોર્ડ (16 દડામાં પ વિકેટ) ઉપરાંત 6 વિકેટની સિદ્ધિમાં ર008ના અજંતા મેંડિસના રેકોર્ડ (6/13)ની બરાબરી કરી હતી. વન ડેમાં ભારત વતી સૌથી શ્રેષ્ઠ બોલિંગમાં તે બિન્ની (6/4), કુંબલે (6/1ર), બુમરાહ (6/19) પછી ચોથા ક્રમે (ર1/6) રહ્યો છે. પહેલી 10 ઓવરમાં સર્વશ્રેષ્ઠ વન ડે બોલિંગ સરેરાશમાં તેણે ગ્લેન મૈકગ્રાથ (19.47) રેકોર્ડ (16.16) તોડ્યો હતો. ઉપરાંત વન ડે પાવર પ્લેમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ (પ/07)નો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. બપોર બાદ કોલંબોમાં વરસાદનાં વિઘ્ન વચ્ચે મોડી શરૂ થયેલી ફાઇનલમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતી પહેલાં બેટિંગ લીધા બાદ 1પ.ર ઓવરમાં પ0 રન બનાવી સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલર મોહમ્મદ સિરાજે પુનરાગમન સાથે તરખાટ મચાવતા 6 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી સિરાજે એકની ઓવરમાં ચાર વિકેટ ખેરવી હતી. એક વિકેટ બુમરાહે ખેડવી. શ્રીલંકાના ધબડકામાં વિકેટકિપર બેટર કુસલ મેંડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા જ્યારે દુશાન હેમંથાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શ્રીલંકાનો કોઈ ખેલાડી ટકી શકયો ન હતો. પાંચ ખેલાડી શૂન્ય પર આઉટ થયા હતા, જેમાં સુકાની શનાકા પણ હતો. માત્ર 1ર રનમાં જ શ્રીલંકાની 6 વિકેટ ડૂલ થઈ અને 33ના સ્કોરે ટોચના 7 ખેલાડી પેવેલિયન પરત ફર્યા હતા. 8 ઓવરમાં સ્કોર 6 વિકેટે 18 અને 1ર ઓવરમાં 7 વિકેટે 39 હતો. વન ડે ક્રિકેટમાં શ્રીલંકાએ ત્રીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. ભૂતકાળમાં બે વખત ટીમ 43 રનમાં સમેટાઈ હતી. વન ડેમાં દડાના હિસાબે અને લક્ષ્ય પાર પાડવાના હિસાબે સૌથી મોટો વિજય ભારતે મેળવ્યો હતો. ભારતે ઓપનિંગમાં શુભમન ગિલ સાથે રોહિત શર્માના સ્થાને ઈશાન કિસનને તક આપી હતી. બન્નેએ ઝમકદાર રમત દાખવી વિજય તરફ દોરી ગયા હતા. ઈશાન ર3 અને ગિલ ર7 રને અણનમ રહ્યો હતો. ભારતની ઇનિંગમાં કુલ 9 ચોગ્ગા લાગ્યા હતા. શ્રીલંકાએ 4 બોલર અજમાવ્યા, પરંતુ ભારતની એક પણ વિકેટ ખેડવી શક્યા ન હતા.