• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

બાંગલાદેશમાં હિન્દુઓ સામે હિંસાથી ભારતમાં જનાક્રોશ

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 23 : બાંગલાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર અને દીપૂ ચંદ્ર દાસના મોબ લિન્ચિંગના વિરોધમાં દિલ્હીના બાંગલાદેશ હાઇ કમિશન (દૂતાવાસ)ની બહાર વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ જોરદાર દેખાવો કર્યા હતા. સ્થિતિને કાબૂ બહાર જતી રોકવા દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા તહેનાત કરી હતી. છ શહેરમાં પણ વિરોધ દેખાવ થયા હતા, જે દરખાસ્ત પોલીસ સાથે ઘર્ષણ થયા હતા. આ મુદ્દે ભારત-બાંગલાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ પણ વધી રહ્યો છે. બંગાળના કોલકાતા અને સિલિગુડીમાં પણ બાંગલાદેશના દૂતાવાસો સામે હિંદુ સંગઠનોએ દેખાવો કર્યા હતા. બાંગલાદેશમાં ભારતીય દૂતાવાસોની સુરક્ષા પણ વધારી દેવાય છે. બાંગલાદેશમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રવાહી રાજકીય પરિસ્થિતિ અને મોહંમદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકારના શાસનમાં કટ્ટરપંથીઓનો ઉપદ્રવ સતત વધતો ચાલ્યો છે. હાલમાં બાંગલાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વ્યાપક હિંસા અને દીપૂ ચંદ્ર દાસની ટોળાં દ્વારા હત્યાના પગલે દિલ્હીમાં પણ માહોલ ગરમ થઇ રહ્યો છે. બાંગલાદેશમાં હિંદુઓ વિરુદ્ધ કારણ વગરના અત્યાચારના પગલે ભારતભરમાં ઉચાટ છે. દિલ્હી, કોલકાતા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં પણ હિંદુ સંગઠનો આ મામલે દેખાવો કરી રહ્યા છે. મંગળવારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ તેમજ અન્ય હિંદુ સંગઠનોએ દિલ્હીમાં બાંગલાદેશના દૂતાવાસ સામે જોરદાર દેખાવો કર્યા હતા. દેખાવકારોએ બેનર-પોસ્ટરો સાથે નારેબાજી કરીને બાંગલાદેશમાં હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી હતી. મામલો થાળે પાડવા દિલ્હી પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવીને દેખાવકારોને ત્યાંથી હટાવવા કાર્યવાહી કરી હતી. કેટલાક દેખાવકારોની અટક કરીને ત્યાંથી દૂર લઇ જવાયા હતા. એક દેખાવકારે કહ્યું હતું કે, બાંગલાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે કટ્ટરપંથીઓ દ્વારા નિર્દોષ હિંદુ સમુદાય ઉપર અત્યાચાર સહન ન થઇ શકે. પોલીસે બાંગલાદેશ હાઇ કમિશન પરિસરને ત્રણ સ્તરનું બેરિકેડિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પોલીસની સાથે અર્ધસૈનિક દળોની પણ તહેનાતી કરાઇ હતી. બંગાળના સિલિગુડી અને કોલકાતા સ્થિત બાંગલાદેશ રાજદૂતાલયો સામે દેખાવો થયા હતા. જો કે પોલીસે દેખાવકારોને ત્યાંથી હટાવી સુરક્ષા ગોઠવી હતી. દરમ્યાન, બાંગલાદેશ સરકારે ભારતમાં પોતાના દૂતાવાસોની સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી ભારતીય વિદેશ મંત્રાલયમાં દિલ્હી અને સિલિગુડી તેમજ કોલકાતાના ઘટનાક્રમની ફરિયાદ કરી હતી. સપ્તાહમાં બીજી વખત ભારતીય ઉચ્ચાયુક્ત પ્રણવ વર્માને બોલાવી ભારતમાં તેમના દૂતાવાસ બહારના ઉગ્ર દેખાવો અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. બાંગલાદેશ સરકારે ઢાકા સહિતના ભારતીય દૂતાવાસોની સુરક્ષા વ્યવસ્થા વધારી હતી. ભારતીય દૂતાવાસોની ચોમેર હથિયારબંધ પોલીસ અને મુખ્ય દરવાજે બાંગલાદેશી સેનાની બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરાઇ છે. કોલકાતામાં બાંગલાદેશ ડેપ્યુટી હાઈ કમિશનની સામે પરિસ્થિતિ વણસી જતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે જ્યારે હિન્દુત્વ સંગઠનના કાર્યકરોએ ડેપ્યુટી હાઈ કમિશન ઓફિસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે શરૂઆતમાં બેરિકેડ ઊભા કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયાના અહેવાલ છે. જમ્મુ અને રાજૌરીમાં બાંગલાદેશ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસીએશને વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગલાદેશથી તમામ હિન્દુઓને ભારત પાછા લાવવા વિનંતી કરી બાંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે કડક પગલાં લેવામાં સમર્થન જાહેર કરાયું હતું.

Panchang

dd