• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

મંત્રીઓ બજેટનો પુરેપુરો ઉપયોગ કરે

અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં તેમણે તમામ વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચાધિકારીઓને સરકારના વર્ષ-2025-26ના રૂા. 3.70 લાખ કરોડનાં વાર્ષિક બજેટનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ કરી હતી. વર્ષ 2024-25માં રાજ્ય સરકારનું કુલ બજેટ રૂા. 3.32 લાખ કરોડનું હતું, પરંતુ તેમાંથી 3.16 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને 16,000 કરોડ ઓછા ખર્ચાતા  મુખ્યમંત્રી અકળાયા હતા અને તેમણે આ વખતે બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરવાની ખાસ સૂચના આપી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓમાં આવતા લોકો, અરજદારોને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. અરજદારોની અરજીનો ઝડપી નિકાલ આવે અને લાંબા સમયથી પડતર રહેતી અરજીઓની પેન્ડેન્સી ઘટે તે માટેના પ્રયાસો હાથ ધરવાની સૂચના આપી હતી. રાજ્યના જન સંપર્ક કાર્યાલય, જિલ્લા તેમજ તાલુકા પંચાયત, આરોગ્ય કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા અરજદારો કે સર્વિસ મેળવવા માટે આવતા લોકોની સમસ્યા અને ફરિયાદ સત્વરે નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવા કહેવામાં આવ્યું છે.   છેવટે મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહી દીધું હતું કે, લાંબા સમય સુધી અરજીનો નિકાલ ન કરતા અધિકારી-કર્મચારી સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યની સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં સેનિટેશન, સ્વસ્છતા, પીવાનાં પાણીની બાબતોનું પણ ધ્યાન રાખવા અને ફાયર લાયસન્સ, ગ.ઘ.ઈ.ની ચકાસણી કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd