આનંદ કે. વ્યાસ દ્વારા : નવી દિલ્હી, તા. 2 : લોકસભામાં
લગભગ 12 કલાક સુધી જામેલી તીખી અને
રસપ્રદ મેરેથોન ચર્ચા બાદ આજે મોડી રાત્રે બહુચર્ચિત વકફ સુધારા વિધેયક 288 વિ. 232 પસાર થયું હતું. આ ખરડો હવે રાજ્યસભામાં
રજૂ થશે. જ્યાં બપોરે એક વાગ્યે તેની ચર્ચા શરૂ થશે. ચર્ચા માટે આઠ કલાકનો સમય
નિયત કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિપક્ષો લઘુમતીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. વકફમાં કોઇ બિનમુસ્લિમ આવશે નહીં. જે દિવસે સરકાર ગેઝેટ જાહેરનામું બહાર
પાડશે, ત્યારથી જ આ કાયદાની
જોગવાઇઓ અમલી બનશે. રાતે સવા બાર વાગ્યે ખરડા ઉપર ત્રણ વખત ધ્વનિમત લેવાયો હતો. જેમાં
કોઈ સ્પષ્ટ નિર્ણય ન આવતાં આખરે મતવિભાજનથી ખરડો પસાર કરાવવામાં આવ્યો હતો. જેમાં ખરડાનાં
વિરોધમાં 232 મત સામે તરફેણમાં
288 મતથી વિધેયક પસાર થઈ ગયું હતું.
એક ગેરહાજર સહિત કુલ 520 મત પડયા હતાં.
સરકારે કહ્યું હતું કે, ખરડાથી મુસ્લિમ
સમાજના ગરીબો અને મહિલાઓના ભાગ્ય બદલશે. લાંબી ચર્ચાના દોરના અંતે જવાબ આપતાં કિરન
રિજ્જુએ કહ્યું હતું કે, વિપક્ષ વકફ વિધેયકને ગેરબંધારણીય લેખાવે
છે, પરંતુ તેની પાછળનો તર્ક આપી શકતાં નથી. વકફ વિધેયક માટેની
સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ અને સાંસદ જગદમ્બિકા પાલે કહ્યું હતું કે, ઓવૈસીએ વકફ વિધેયકને ફાડીને ગેરબંધારણીય કૃત્ય કર્યું છે. ચર્ચા દરમિયાન વિપક્ષોએ
ખરડાને ગેરબંધારણીય ગણાવ્યું હતું. જેડીયુ, એલજેપી અને ટીડીપીએ
ખરડાનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઇએ ખરડાને બંધારણના માળખાં પરનો હુમલો ગુણાવ્યું હતું. એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, આ ખરડાનો ઉદ્દેશ મુસ્લિમોના અપમાનનો છે. હું આ કાનૂનને ફાડું છું. વિપક્ષના
જોરદાર વિરોધ વચ્ચે સંસદીય કાર્ય પ્રધાન કિરન રિજ્જુએ લોકસભામાં વક્ફ અમેન્ડમેન્ટ બિલ-2024 રજૂ કર્યું હતું. છેલ્લા કેટલાય
સમયથી આ બિલ બાબતે ચાલતી અફવાઓ અને ચિંતાઓનું ખંડન કરતા રિજ્જુએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ બિલમાં મુસ્લિમ સમુદાય પાસેથી કંઇ છીનવી લેવાની
વાત જ નથી, સરકારે આ બિલથી મુસ્લિમ મહિલાઓ અને બાળકોને વધુ ફાયદો
મળે એવા સુધારા કર્યા છે. આ બિલથી વક્ફની કેટલીક પ્રોપર્ટી છીનવાઇ જશે એવી ચાલતી વાતોને
ધરમૂળથી નકારતા લઘુમતિ બાબતોનું મંત્રાલય પણ સંભાળતા રિજ્જુએ કહ્યું હતું કે,
આ બિલમાં વક્ફની પ્રોપર્ટી કે જમીન છીનવી શકાય એવી કોઇ જ જોગવાઇ નથી.
રિજ્જુએ ગૃહમાં જણાવ્યું હતું કે, આ બિલને મુસ્લિમોની ધાર્મિક
વિધિઓ સાથે કંઇ જ સંબંધ નથી, માત્ર વકફની પ્રોપર્ટી સંબંધી સમય
પ્રમાણે સુધારા કરવાના હતા એ જ છે. સરકાર વકફ બોર્ડને સર્વસમાવેશી અને ધર્મનિરપેક્ષ
બનાવવા ઇચ્છે છે. આ સુધારિત કાયદો કે ખરડો મસ્જિદોના સંચાલન માટેનો નથી અને એમાં કોઇ
પ્રોપર્ટી પર કબજો જમાવવાની કે સીલ કરવાની પણ જોગવાઇ નથી. વધુમાં રિજ્જુએ કહ્યું હતું
કે, સુધારિત વકફ બિલમાં વકફ બોર્ડમાં મુસ્લિમોના વિવિધ પંથ,
મહિલા અને બિનમુસ્લિમ તેમજ અન્યને પ્રતિનિધિત્વની જોગવાઇ છે. આ બિલથી
વકફ બોર્ડમાં શિયા, સુન્ની, બોહરા,
પછાત મુસ્લિમ, મહિલા અને બિનમુસ્લિમ નિષ્ણાતને
પ્રતિનિધિત્વ મળશે. દાખલા તરીકે લઘુમતિ બાબતોના પ્રધાન તરીકે હું એક મુસ્લિમ ન હોવા
છતા સેન્ટ્રલ વકફ કાઉન્સિલનો ચેરમેન બની શકું છું. જો કે, આમ
છતાં કાઉન્સિલમાં વધુમાં વધુ બે બિનમુસ્લિમ અને બે મહિલા સભ્ય રહેશે જ. વકફ બિલ ઉપર
ભાષણ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મત બેંકના રાજકારણ
માટે લઘુમતીઓને ઉશ્કેરવામાં આવે છે અને વકફ ખરડાના નામે ભ્રમ ફેલાવાય છે. વકફમાં કોઇ
બિનમુસ્લિમ નહીં હોય. શાહે જણાવ્યું હતું કે, તેઓ બિલના સમર્થનમાં
છે. સવારથી જે ચર્ચા ચાલી રહી છે તેને બારીકાઈથી સાંભળી છે અને તેઓને લાગે છે કે,
નિર્દોષ ભાવે અથવા તો રાજકીય કારણોથી ઘણા ભ્રમ સભ્યોના મનમાં છે અને
તેને ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વકફ એક અરબી શબ્દ છે જેનો ઈતિહાસ અમુક હદીસોથી મળે છે. વકફનો અર્થ અલ્લાહના નામે
સંપત્તિનું દાન, જેમાં વ્યક્તિ પવિત્ર દાન કરે છે. દાન એવી વસ્તુનું
જ થઈ શકે છે આપણી હોય. કોઈ સરકારી સંપત્તિ કે કોઈ અન્ય સંપત્તિનું દાન કરી શકે નહીં.
શાહે આગળ કહ્યું હતું કે, વકફ સંબંધિત ધાર્મિક કાર્યમાં બિનમુસ્લિમોને
સામેલ કરવામાં આવી રહ્યા નથી. જો કે, અમુક લોકો આ મુદ્દે ભ્રમ
ફેલાવીને પોતાની વોટબેંક સુરક્ષિત રાખવા રાજનીતિ કરી રહ્યા છે. રિજ્જુએ કહ્યું હતું કે, વકફ
બિલની જોગવાઇઓથી મસ્જિદો કે ધાર્મિક સ્થળોના સંચાલન પર કોઇ અસર નહીં થાય. આ બિલ માત્ર
વકફ બોર્ડની જમીનોના વ્યવસ્થિત સંચાલન-ઉપયોગ તેમજ મુતવલ્લીના ધ્યાન બહાર કોઇ પ્રોપર્ટી
હશે, તો એના સરળ સંચાલન માટે છે. વકફની પ્રોપર્ટીનું સંચાલન વકફ
બોર્ડ અને મુતવલ્લીની પાસે જ રહેશે. વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ આક્ષેપ
કર્યો હતો કે, સરકાર આ બિલથી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ
બિલ ગેરબંધારણીય છે. વકફ બિલથી સરકાર બંધારણ સાથે સમાધાન કરી, લઘુમતિ સમુદાયને અપમાનિત કરીને દેશની એકતા તોડવા માગે છે. કોંગ્રેસના વડપણ
હેઠળની યુપીએ સરકારના કાર્યકાળમાં દિલ્હીની 123 પ્રોપર્ટી વક્ફ બોર્ડને સોંપી દીધાનો આક્ષેપ પણ ગોગોઇએ નકાર્યો
હતો.