નવી દિલ્હી, તા. 31 : મુસ્લિમ
સમુદાયનાં સંગઠનો તરફથી ભારે વિરોધ વચ્ચે વકફ સુધારા વિધેયક સંસદનાં બજેટસત્રમાં
બીજી એપ્રિલે બુધવારે રજૂ કરાશે. આ સત્ર ચોથી એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીયમંત્રી
કિરણ રિજ્જુએ વિધેયકનો વિરોધ કરનારાઓની ટીકા કરતાં કહ્યું હતું કે, વકફ સુધારા વિધેયક ગરીબ
મુસ્લિમોનાં હિતમાં છે અને જમીન પર ગેરકાયદે કબજો કરનારા તત્ત્વોની વિરુદ્ધ છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહે બે દિવસ પહેલાં જ એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં વકફ
સુધારા વિધેયક ચાલુ સત્ર દરમ્યાન જલાવવાની વાત કરી હતી. ખાસ કરીને આ વિધેયકથી કોઈએ
પણ ડરવાની જરૂર નથી, તેવું ગૃહમંત્રીએ ખરડાના મુસ્લિમ સમુદાય,
સંગઠનો દ્વારા વિરોધ વચ્ચે કહ્યું હતું. બીજી તરફ, ઈદના દિવસે દેશમાં અનેક સ્થળે મુસ્લિમ સમાજના લોકો વકફ વિધેયકના વિરોધમાં
કાળી પટ્ટી બાંધીને નમાજ અદા કરવા પહોંચ્યા હતા. રમજાન મહિનાના છેલ્લા શુક્રવારે
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશભરના મુસ્લિમોને કાળી પટ્ટી બાંધીને નમાજ
અદા કરવાનું આહ્વાન કર્યું હતું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક પત્રમાં લખ્યું હતું
કે, વકફ સુધારા વિધેયકનો જોશભેર વિરોધ દેશના દરેક મુસ્લિમની
જવાબદારી છે. વકફમાં મળતી જમીન કે સંપત્તિની દેખરેખ માટે કાનૂની રીતે બનેલી સંસ્થા
વકફ બોર્ડ તરીકે ઓળખાય છે.