નવી દિલ્હી, તા. 17 : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી જૂથના
અધ્યક્ષ ગૌતમ અદાણી તેમજ તેમના ભાઇ રાજેશ અદાણીને બોમ્બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત
મળી ગઇ હતી. વડી અદાલતે સોમવારે મોટો ફેંસલો આપતાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં
કથિત હેરફેર કરીને 388 કરોડ રૂપિયાના બજાર નિયમભંગના મામલામાં અદાણી
બંધુને ક્લીનચીટ આપી દીધી હતી. બેમ્બે હાઇકોર્ટના આ આદેશ બાદ એક દાયકા કરતાં વધુ
સમયથી ચાલી રહેલી લાંબી કાનૂની લડાઇનો અંત આવ્યો છે, જેમાં
દિગ્ગજ ઉદ્યોગપતિનો વિજય થયો છે. ગંભીર છેતરપિંડી તપાસ કચેરીએ 2012માં
અદાણી એન્ટરપ્રાઇઝ લિ. અને તેમના પ્રમોટરો પર છેતરપિંડીના આરોપ સાથે ચાર્જશીટ દાખલ
કરી હતી. કથિત અનિયમિતતાનાં આરોપનામામાં ગૌતમ અદાણી, રાજેશ અદાણી સહિત 12 જણનાં
નામ હતાં. મુંબઇ મેજિસ્ટ્રેટની અદાલતે મે-2014માં જ ગૌતમ અદાણીને આરોપ મુક્ત
કરી દીધા હતા. પરંતુ એસએફઆઇઓએ એ આદેશને પડકારતાં દલીલ કરી હતી, 2019ના નવેમ્બરમાં સેસન્સ કોર્ટે આદેશ પલટી નાખ્યો હતો. સેસન્સ
કોર્ટના આદેશને પડકારતાં ગૌતમ અદાણી બોમ્બે હાઇકોર્ટમાં ગયા હતા. ન્યાયમૂર્તિ
આર.એન. લદ્ધાએ અદાણીને ક્લિનચીટ આપી દીધી હતી.