ભુજ, તા. 19 : ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર
ખનન, ખનિજ વહન તથા ખનિજ સંગ્રહની પ્રવૃત્તિઓ સામે
ખાણ અને ખનિજ વિભાગ દ્વારા તપાસ અને કાર્યવાહી
હાથ ધરવામાં આવી હતી. બિનઅધિકૃત રીતે ખનિજનું
વહન કરતા છ વાહનો પકડવામાં આવ્યાં હતાં. આ તમામ વાહનોમાં વહન કરવામાં આવતાં ખનિજ સહિતના
કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂા. ત્રણ કરોડ
હોવાનું જણાવાયું હતું. કલેક્ટર અનિલ રાણાવાસિયાનાં માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી
ડી. એસ. બારિયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ખનિજ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
અટકાવવા તપાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
ખાવડા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી પાંચ વાહનોમાં લાઇમસ્ટોન તથા સેન્ડસ્ટોન ખનિજનું વહન કરવામાં આવતું
હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ પાંચેય વાહનોમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા
કરતાં વધુ માત્રામાં ખનિજ ભરેલું હોવાનું જણાતાં, કાયદાકીય નિયમો
અનુસાર દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી હતી.
જ્યારે એક વાહન નંબર ઋઉં-12-ઈઝ-8074માં સાદી
રેતી ખનિજ ભરેલું હોવાનું જણાયું હતું. વાહનના ચાલક/માલિક દ્વારા ખનિજ વહન અંગેનો રોયલ્ટી
પાસ કે અન્ય આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી, સદર વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલાં
વાહન તથા તેમાં રહેલાં ખનિજ સહિતના મુદ્દામાલને એ.કે. લોજિસ્ટિક, ખાવડા ખાતે રાખવામાં આવ્યાં હતાં. કાર્યવાહીમાં પકડવામાં આવેલાં છ વાહનોમાં
વહન કરવામાં આવતાં ખનિજ સહિતના મુદ્દામાલની અંદાજિત કિંમત રૂા. ત્રણ કરોડ છે. આ વાહનો
સંદર્ભે ભૂસ્તરશાસ્ત્રીની ભુજ દ્વારા કાયદાકીય નિયમો અનુસાર દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે. - 1. GJ-12-CT-8074, 2. GJ-12-BZ-9042,
3. NL-06-AA-5488, 4.
GJ-12-CT-8233, 5. GJ-12-BZ-6596, 6. GJ-12-CT-7974 આ નંબરોવાળાં
વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેવું યાદીમાં જણાવાયું હતું. ખનિજ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન
કરનાર સામે આગામી સમયમાં પણ આકસ્મિક તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં
આવશે તેવો પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો.