• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

ભુજમાં અગમ્ય કારણોસર યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

રામપર (સરવા)માં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું : ચિત્રોડ નજીક ટ્રેઇલરની હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ, તા. 18 : ભુજના કોડકી રોડ પર શરદબાગ પેલેસની પાછળ બાવળની ઝાડીમાં અજય મહારાજસિંહ સગવા (ઉ.વ. 29) નામના યુવાને ઝાડમાં ફાંસો ખાઇ જીવ દીધો હતો. બીજી બાજુ નખત્રાણાના રામપર (સરવા)માં મુકેશ ઉર્ફે રવિ ગોપાલ મારવાડા (ઉ.વ. 24)એ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું તેમજ ચિત્રોડ નજીક અજાણ્યા ટ્રેઇલરની હડફેટે ચડતાં બાઇકચાલક પ્રવીણ હેમરાજ કોળી નામના યુવાનનું મોત થયું હતું.

ભુજમાં શરદબાગ પેલેસ પાછળના ભાગે આજે ઢળતી બપોરે અપમૃત્યુનો બનાવ સામે આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો અજય નામનો યુવાન ભુજની  ગિરીથાળ હોટેલના સ્ટાફ રૂમમાં રહેતો હતો. તે આજે શરદબાગ પેલેસ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં આવ્યો હતો અને અગમ્ય કારણોસર ઝાડીમાં ગમછો બાંધી ગળેફાંસો ખાઇ તેણે જીવ દીધો હતો. આ યુવાન લટકતો મળી આવતાં ભુજ અગ્નિશમન દળને જાણ કરાઇ હતી. દળના જવાન અહીં દોડી આવ્યા હતા અને લાશને નીચે ઉતારી હતી. માનવજ્યોત સંસ્થાએ લાશને હોસ્પિટલ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરાઇ છે.

બીજી બાજુ રામપર (સરવા)માં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર મુકેશ ઉર્ફે રવિ નામનો યુવાન ગત તા. 16/11ના પોતાના ઘરે હતો, દરમ્યાન રાત્રે 10થી તા. 17/11ના સવારે 9 વાગ્યાના અરસામાં તેણે પોતાના ઘરે કોઇ કારણોસર ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. સામખિયાળી રાધનપુર ધોરીમાર્ગ ઉપર દેવનારાયણ (આમને સામને) હોટેલ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. લલિયાણામાં રહેનાર પ્રવીણ કોળી નામનો યુવાન બાઇક નંબર જીજે-39-જે-7922 લઇને ગત તા. 14/11ના જઇ રહ્યો હતો, ત્યારે અજાણ્યા ટ્રેઇલરે તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત નોતરી નાસી જનારા ટ્રેઇલરના ચાલક સામે ગોવિંદ રાયધણ કોળી (સાંતલપર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd