• સોમવાર, 02 નવેમ્બર, 2026

પૂર્વ કચ્છમાં ખનિજ માફિયાઓ બેફામ

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 29 : પૂર્વ કચ્છના વાગડ પંથક સહિત અંજાર અને ગાંધીધામના ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજનું ખનન, વહન અને સંગ્રહ થઇ રહ્યો છે. કુદરતી  સંપત્તિ પર ત્રાટકેલા આ ખનિજ માફિયાઓ સીમ વિસ્તારોની કોરી જમીનોમાં ઉંડા ખાડાઓ ખોદીને સમગ્ર વિસ્તારને રઝળાવી રહ્યા છે, સ્થાનિક પોલીસ અને ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી થાય છે અને દંડ પણ કરવામાં આવે છે. - પોલીસની રહેમનજર : લોકોના જણાવ્યા મુજબ વાગડ પંથક, અંજાર, ગાંધીધામના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આ સિન્ડિકેટ વિશે ખાણ ખનિજ વિભાગ અને પોલીસતંત્ર સારી રીતે માહિતગાર છે. નક્કર કાર્યવાહીનાં નામે માત્ર મીડું જ છે. પ્રજામાં હવે એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે કે શું તંત્રની મિલીભગતથી આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે? તંત્રો મધપૂડામાંથી મધ ઉતારવામાં જ વ્યસ્ત હોય તેવી તીવ્ર લાગણી લોકમુખે ચર્ચાઈ રહી છે. હાલમાં જ પશ્ચિમ કચ્છ પોલીસે ગેરકાયદે ખનિજ ખનન, સંગ્રહ અને વહન કરતાં તત્ત્વો સામે કડક રીતે લાલઆંખ કરી ઉપરાઉપરી દરોડા પાડીને મોટાપાયે કાર્યવાહી કરે છે. આ સરખામણીએ પૂર્વ કચ્છ પોલીસનું વલણ શંકાસ્પદ અને નિક્રિય જણાતાં લોકોમાં પ્રશ્નો ઊઠયા છે. આવી કડક કાર્યવાહી કરવામાં કોઈની શરમ નડે છે કે શું તથા કાયદાનો ડર માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે તેવા પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે. - ડખો થયો : થોડા સમય પહેલાં સામખિયાળી અને સૂરજબારી ટોલપ્લાઝા ઉપર ઓવરલોડ માલ મુદ્દે ડખા થયા હતા. ક્ષમતા કરતાં વધુ ખનિજ ભરીને રાત-દિવસ દોડતાં બેફામ ડમ્પરો-ટ્રકોના કારણે માત્ર માર્ગો જ ધ્વસ્ત નથી થઈ રહ્યા, પરંતુ માર્ગ અકસ્માતોનો ભય પણ લોકો ઉપર સતત તોળાતો રહે છે. - નિર્દોષોના બલિદાન : ખનિજ માફિયાઓએ વાગડ અને ગાંધીધામ, અંજારના ગ્રામ્ય વિસ્તારોની સીમોમાં કયાંય જમીન સુદ્ધાં બાકી રાખી નથી. અનેક વિસ્તારોને ઊંડા ખાડાઓમાં ફેરવી નાખવામાં આવ્યા છે, જેમાં ચોમાસા કે અન્ય સમયે આ ખાડાઓમાં પાણી ભરાવાથી ભૂતકાળમાં અનેક માસૂમ બાળકો, લોકો, પશુઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ફળદ્રુપ જમીનો અને કુદરતી સંપત્તિનું બેફામ શોષણ કરીને આ કારો કારોબાર કરનારાઓ માત્ર પોતાના ખિસ્સા ભરી રહ્યાની લાગણી પ્રસરી છે. - સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે : જે રીતે પૂર્વ કચ્છમાં ખનિજચોરીનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે તેનાથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાની રોયલ્ટીનું સરેઆમ નુકસાન થઈ રહ્યું છે. કુદરતી સંપત્તિનું આ રીતે નિકંદન નીકળી રહ્યું છે. ત્યારે હવે લોકો અને પર્યાવરણપ્રેમીઓમાં એક જ ચર્ચા છે કે, આ કુદરતી સંપત્તિને બચાવવા માટે હવે કોણ આગળ આવશે ? પૂર્વ કચ્છ પોલીસ અને ખાણ ખનિજ વિભાગ ત્વરિત જાગીને આ રાક્ષસી ખનિજ માફિયાઓ સામે પાસા, ભૌતિક જપ્તી અને દંડાત્મક કડક પગલાં નહીં ભરે તો અહીંની કુદરતી સંપત્તિને કોઈ જ નહીં બચાવી શકે તેવી લાગણી પ્રસરી છે. - દંડાત્મક કાર્યવાહી : પૂર્વ કચ્છમાં બેફામ ખનિજચોરીના આક્ષેપો વચ્ચે આ અંગે પૂર્વ કચ્છના જી.ઇ.ઓ. કેયૂર પંડયાનો સંપર્ક કરતાં તેમણે સપ્ટેમ્બર મહિના સુધીમાં 459.1 લાખની દંડાત્મક કાર્યવાહી તથા 194 કેસ કર્યાની વિગતો આપી હતી અને ખનિજચોરી, સંગ્રહ, વહનના બનાવોને રોકવા ત્રણ ટીમો દ્વારા સતત અને સઘન ચેકિંગ-મોનિટરિંગ ચાલુ જ હોય છે. ઉપરાંત ફલાઇંગ સ્કવોડ પણ કાર્યવાહી કરતી હોય છે. 2017ના કાયદા મુજબ જુદી જુદી લીઝ રિન્યૂ થતી નથી અને ખોદાયેલા ખાડા બંધ કરવા નિર્ણય લઇ ત્યાં મેદાન, ફેન્સિંગ, વૃક્ષારોપણ વગેરેની કાર્યવાહી કરાતી હોય છે તેમજ સરકારી તિજોરીમાં જમા થતી રકમમાંથી જે-તે ગામમાં રોડ રસ્તા, આંગણવાડી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વગેરે વિકાસનાં કામો કરાતાં હોવાનું તેમણે ઉમેર્યું હતું તથા ગેરકાયદે કરાયેલા ખાડાઓમાં ભરાયેલાં પાણીમાં માસૂમોના જીવ જાય તો આવા ખાડા બંધ કરવાની જવાબદારી કોની તે પ્રશ્ન અનુત્તર રહ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd