ગાંધીધામ, તા. 28 : ભચાઉથી દુધઇ બાજુ જતા માર્ગ ઉપર આશાપુરા હોટેલની સામે ઊભેલા આશિષ જામાભાઇ રબારી (ઉ.વ. 11)ને કારે હડફેટમાં લેતાં આ બાળકનું મોત થયું હતું. બીજી બાજુ અંજાર નજીક અજાપર ચોકડી પાસે કંપનીમાં રહેતા દિનેશ ગણેશ શર્મા (ઉ.વ. 24) અને અજાપરની કંપની વસાહતમાં રહેતા કાંદુની માન્યુઅલ મુર્મુ (ઉ.વ. 21)એ ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. પત્નીના આઘાતમાં આજે તેના પતિ એવા માન્યુઅલ સુનીલ મુર્મુ (ઉ.વ. 25)એ પણ ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. ભચાઉની સર્વોદય સોસાયટીમાં રહેતા ગીતાબેન ભીમાભાઇ રબારી અને તેમનો નાનો પુત્ર આશિષ ગત તા. 24/9ના કરિયાણું લેવા ભચાઉ બજારમાં ગયા હતા અને કામ પતી જતાં આ બંને માતા-પુત્ર ઘરબાજુ જવા દુધઇવાળા માર્ગ ઉપર આશાપુરા હોટેલની સામે પહોંચ્યા હતા. ત્યારે તેમના ઓળખીતા કાના કાબા રબારી છકડો લઇને હોટેલે ઊભા હતા. ત્યારે આ બાળક પણ ત્યાં હતું, તેવામાં ભચાઉ બાજુથી પૂરપાટ આવતી કાર નંબર જી.જે. 38 બી.એફ.-2115એ આ બાળકને હડફેટમાં લીધો હતો. અકસ્માત બાદ માણસો એકઠા થતાં કારચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો. ઘવાયેલા બાળકને પ્રથમ ભચકાઉ અને વધુ સારવાર અર્થે ગાંધીધામ લઇ જવાયું હતું, જ્યાં ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કર્યો હતો. માતાએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો એક બનાવ અજાપર ચોકડી પાસે અનુજ વિનિયર કંપનીમાં બન્યો હતો. કંપનીમાં મજૂરી કરી ત્યાંની શ્રમિક વસાહતમાં રહેનાર દિનેશ ગણેશ શર્મા (ઉ.વ. 24) નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. બીજી તરફ અજાપરમાં એસ.આઇ.ટી.એલ. કંપનીની શ્રમિક વસાહતમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર કાન્દુની મુર્મુ નામની યુવાન પરિણીતાએ ગળેફાંસો?ખાઇ અનંતની વાટ પકડી હતી. પત્નીના આપઘાત બાદ તેનો પતિ માન્યુઅલ નામનો યુવાન વરસામેડી સીમમાં ગીતા પ્લાયવૂડ નામની કંપની વસાહતમાં રહેતા પોતાના પિતાને ત્યાં ગયો હતો, જ્યાં પત્નીના મોતના આઘાતમાં તેણે પણ ગળેફાંસો ખાઇ તેણે પણ અનંતની વાટ પકડી હતી, તેવું પી.એસ.આઇ. ડી. જી. પટેલે જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું ઉમેર્યું હતું.