• બુધવાર, 20 મે, 2026

મોટી સિંધોડીની પવનચક્કીમાંથી વાયર ચોરનારા બે ઝડપાયા

ભુજ, તા. 19 : પંદરેક દિવસ પૂર્વે અબડાસાના મોટી સિંધોડીની સીમમાંથી પવનચક્કી ઉપર વાયર ચોરનારા બે શખ્સને મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપીને આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આ કામના અન્ય ત્રણ સહઆરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. એલસીબીના પીએસઆઈ એમ. એચ. શિણોલની સૂચના મુજબ એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા, હે.કો. લાખાભાઈ રબારી, કોન્સ. અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવી અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે સિંધોડી મોટી પહોંચતાં બાતમી મળી કે, ભીખુભા કરશનજી જાડેજા (રહે. વાંકુ, તા. અબડાસા) તથા તેના અન્ય સાગરીતોએ મળીને પંદરેક દિવસ પહેલાં મોટી સિંધોડીની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી વાયર ચોરીને સંતાડી દીધો હતો. આ ચોરીનો વાયર આજે આસિફ સિધિક કુંભાર (રહે. કોઠારા) છોટાહાથી છકડા વડે લેવા આવ્યો છે. આ સચોટ બાતમીના આધારે તપાસ કરતાં છોટાહાથી પાસે ત્રણ માણસ હરકત કરતા દેખાયા હતા. એક પોલીસને જોઈ નાસી ગયો હતો. બે ઈસમને છોટાહાથીમાંના વાયરોનાં બિલ-આધાર માગતા તેઓ પાસે ન હતા.  આમ, કોપર વાયર અંદાજે વજન 150 કિલોગ્રામ કિં. રૂા. 1,5,000 અને છોટાહાથી નં. જીજે - 12 - એવી - 5442 કિં. રૂા. 2,50,000 સાથે આરોપી ભીખુભા કરશનજી જાડેજા અને મયૂરસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. બન્ને વાંકુ, તા. અબડાસા)ને ઝડપી લીધા હતા. આ કામના સહઆરોપી નારૂભા તેજમલજી જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે ટીંકુ લાધુભા જાડેજા (રહે. બન્ને વાંકુ, તા.અબડાસા) તથા આસિફ સિધિક કુંભાર (રહે. કોઠારા, તા. અબડાસા)ને ઝડપવા પોલીસે ચક્રો  ગતિમાન કર્યાં છે. આ ચોરી અંગે ગઈકાલે જખૌ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેનો ભેદ ઉકેલી લેવાયો છે. 

Panchang

dd