ગાંધીધામ, તા. 19 : કંડલામાં વેસ્ટ ગેટ નંબર-1 પાસે ટ્રક નીચે ચગદાઈ જતાં મૂળ ઉત્તરપ્રદેશના
મુકેશ ભગેલુ યાદવ (ઉ.વ.34)નું તત્કાળ
મોત થયું હતું. બીજી બાજુ કબરાઉમાં પક્ષીઓ માટેની નેટની જાળી લગાવતાં પડી જતાં બાબુ
વાસણ કાંઠેચા (ઉ.વ. 40)એ જીવ ખોયો
હતો. ગાંધીધામમાં રહેનાર મુકેશ યાદવ દાડમદાદા
ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો. ગઈકાલે રાત્રે તે ટ્રક નંબર જીજે-12-એયુ-9989 લઈને કંડલા પોર્ટ ખાતે ગયો
હતો જ્યાં વેસ્ટ ગેટ નંબર 1 પાસે પોતાનું
વાહન પાર્ક કરી નીચે ઊતર્યો હતો દરમ્યાન ટ્રક નંબર જીજે-12-બીવાય-9058એ આ યુવાનને હડફેટમાં લેતાં
તોતિંગ પૈડાં તેની પરથી ફરી વળતાં ચગદાઈ જવાથી તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું. આરોપી
ટ્રકચાલક સામે મનીષ રમેશ મહેશિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ અપમૃત્યુનો
એક બનાવ કબરાઉ નજીક ગેલેકસી હોટેલ સામેની કંપનીમાં બન્યો હતો. આમરડી ગામનો યુવાન બાબુભાઈ
કાંઠેચા અહીં પક્ષીઓ માટે નેટની જાળી લગાવવા આવ્યો હતો, દરમ્યાન એન્ગલ પરથી નીચે પટકાતાં
તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે
તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.