ગાંધીધામ, તા. 30 : કંડલામાં
માવિત્રે આવેલ યુવાન પરિણીતા રૂકશાના અસકમ ભટ્ટી (ઉ.વ. 19)એ
ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બીજીબાજુ પડાણામાં માર્ગ ઓળંગતા સુવઇના જેતુબેન
ગોવા રબારી (ઉ.વ. 60)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું.
કંડલામાં પોર્ટ કોલોનીમાં રહેનાર રૂકશાના નામની યુવતીના પાંચ મહિના અગાઉ ભૂસ્તર
કોલોનીમાં અસકમ ભટ્ટી સાથે લગ્ન થયાં હતાં. છેલ્લા બારેક દિવસથી તે મેળો કરવા પિયર
આવી હતી. ગઇકાલે બપોરે તે ઘરે હતી દરમ્યાન,
અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
તેના દાદા જાકુ ઇબ્રાહીમ પરીટ સારવાર અર્થે લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર
કરી હતી. રાપરના સુવઇમાં રહેનાર જેતુબેન અને તેમના પતિ ગોવાભાઇ દવા લેવા ગાંધીધામ
આવ્યા હતા. દવા લઇને બંને પરત જઇ રહ્યા હતા અને પડાણા ઊતરી પોતાના ભાણેજ બનાવના
ફરિયાદી શકતા છોટા રબારીને ફોન કર્યો હતો. જેથી આ ફરિયાદી યુવાન પોતાના
માસા-માસીને લેવા ધોરીમાર્ગ બાજુ જઇ રહ્યો હતો. દરમ્યાન, આ
મહિલા માર્ગ ઓળંગી રહ્યા હતા તેવામાં કોઇ અજાણ્યા વાહને હડફેટમાં લેતાં ગંભીર
ઇજાઓના પગલે પતિની નજર સમક્ષ મહિલાનું મોત થયું હતું. વૃદ્ધાને સારવાર માટે લઇ
જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. હિટ એન્ડ રનના આ બનાવમાં આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.