પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પડકાર અને સ્પર્ધા
ગંભીર હોવાથી મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એમના ચૂંટણી ઘોષણાપત્રમાં કલ્યાણકારી યોજનાઓને
કેન્દ્રમાં રાખીને મહિલાઓ તથા યુવાવર્ગને નાણાં સહાય વધારવાનું વચન આપ્યું છે. આ સાથે
જ નાગરિકો માટે સ્વાસ્થ્ય સુવિધા યોજનાની જાહેરાત કરી છે. મમતાજીએ આગામી દસ વર્ષમાં
બંગાળનાં અર્થતંત્રને ભારતનાં રાજ્યોમાં ત્રીજા નંબરે લઈ જવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો
છે. પ્રતિ વર્ષ બે કરોડ જેટલી વધારાની રોજગારી સર્જવાની અને બેરોજગારી ઘટાડવાની જાહેરાત
પણ કરી છે. મમતા બેનરજીની વોટબેન્ક - બાંગલાદેશી `ઘૂસણખોરો' ઉપર કેન્દ્ર
સરકારે ધાડ પાડી અને ચૂંટણીપંચે મતદારયાદીઓની ચકાસણી કરીને કાપકૂપ કરી તેની સામે મમતાજીએ
જાહેરમાં અને સુપ્રીમ કોર્ટમાં ઊહાપોહ મચાવ્યો, પણ કાંઈ વળ્યું
નહીં તેથી એમણે પોતાની વોટબેન્ક વિસ્તારીને મહિલા તેમજ યુવાવર્ગને આકર્ષિત તથા રાજી
કરવા માટે વચનો આપ્યાં છે. તૃણમૂલ કોંગ્રેસના ઘોષણાપત્રમાં તમામ નાગરિકોના સ્વાસ્થ્ય
સુધારને મહત્ત્વ અપાયું છે. `દ્વારે ચિકિત્સા' યોજના હેઠળ દરેક જિલ્લામાં ઘેરઘેર જઈને સ્વાસ્થ્ય ચિકિત્સાની સુવિધા આપવામાં
આવશે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ગલી-ગલીએ ડોક્ટરની સેવા આપવાની જાહેરાત
કરી હતી, તેમાં હવે સુધારો કરીને ઘેરઘેર સેવા અપાશે. ગુજરાતમાં
108 નંબર ઉપર એમ્બ્યુલન્સની સેવા
ઉપલબ્ધ છે તેનું આ અનુકરણ છે. રાજ્યમાં `સેવાશ્રય' કામ કરી
રહ્યા છે. હવે વાજબી ભાવે દવાઓ મળશે. લક્ષ્મી ભંડાર અને યુવાસાથી યોજના હેઠળ બેકારી
ભથ્થાં વધારવામાં આવશે. `યુવાસાથી' હેઠળ 21થી 40 વર્ષના વય ગ્રુપમાં એક કરોડ યુવાઓને માસિક રૂા. 1500 આપવાનું વચન અપાયું છે. આ યોજનામાં
સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ બેકારી
ભથ્થું નથી પણ યુવાવર્ગને પોકેટ મની - ખિસ્સાખર્ચી છે. અત્યાર સુધીમાં બે કરોડ રોજગારી
સર્જવામાં આવી છે. હવે આ યોજના હેઠળ તેમાં વધારો થશે. લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને
અપાતી આર્થિક સહાયમાં 500 રૂપિયા વધારીને
1500 (વાર્ષિક 18,000) કરવામાં આવશે. એસ.સી., એસ.ટી. લાભાર્થીઓ માટે આ રકમ વાર્ષિક 20,400 છે. કૃષિ બજેટ માટે રૂા. 30 હજાર કરોડ ફાળવાયા છે જેનો
લાભ ભૂમિહીન મજૂરો તથા ખેડૂતોને મળશે. રાજ્યભરમાં સૌને પાકાં ઘર અને નળથી જળ પહોંચાડવાનું
વચન પણ અપાયું છે. આ ઉપરાંત બંગાળમાં સાત નવા જિલ્લા બનાવવાની પણ વાત કરી છે અને એવી
આશા પણ વ્યક્ત કરી છે કે, મમતા દીદીના
આ સંકલ્પો આગામી પાંચ વર્ષના શાસનની દિશા નક્કી કરશે.એ સાથે મમતાએ ચૂંટણી ટાણે રજૂ
કરેલા સંકલ્પોમાં સરકારી સ્કૂલોનાં માળખાંને સુધારવાની અને બંગાળને પૂર્વ ભારતનું ટ્રેડ
સેન્ટર બનાવવાની પણ ઘોષણા કરી છે. મુસ્લિમ
વોટબેન્કની ખોટ-ખાધ પૂરવા માટે મમતા બેનરજીએ લહાણીની જાહેરાત કરી છે ત્યારે હવે ભાજપ
કેવાં વચનો આપે છે તે જોવાનું છે. આખરે સ્પર્ધા અને ચૂંટણી તો વચનો-વચ્ચે જ છે !