• મંગળવાર, 31 માર્ચ, 2026

દહીંસરા ગૌવંશ હત્યા મુદ્દે એસ.પી. કચેરીને ઘેરાવ

ભુજ, તા. 30 : દહીંસરા ગૌવંશ હત્યા પ્રકરણનો મામલો બે-ત્રણ દિવસથી મુસ્લિમ અને હિન્દુ સંગઠનનો પ્રતિક્રિયાઓથી મામલો વધુ પેચીદો અને ગરમ બન્યો છે. તે વચ્ચે આજે સમસ્ત અખિલ કચ્છ મુસ્લિમ સમાજે એસ.પી. કચેરીનો ઘેરાવ કરી ધરણા પર ઉતરી પડયા હતા. સ્થિતિ વધુ ન વણશે તે અર્થે પોલીસ કાફલો પણ ત્યાં ધસી ગયો હતો. જો કે, અગ્રણીઓએ ઈન્ચાર્જ એસ.પી.ને આવેદનપત્ર પાઠવી સમગ્ર બાબતે વાકેફ કરતા આ પ્રકરણની તપાસ એલસીબીને સોંપવા અને તપાસમાં પોલીસ કર્મી દોષિત જણાય તો તેની સામે ખાતાકીય કાર્યવાહીની તપાસમાં ઝડપાયેલા આરોપી નિર્દોષ જણાય તો તેને પણ પોલીસ મદદરૂપ બનશે તેવી ખાતરી મળતા આ વીજળીક આંદોલન સમેટાયું હતું. દહીંસરા ગૌવંશ હત્યા કેસમાં બે નિર્દોષ માલધારી યુવાનોને ફસાવવા મામલે અખિલ કચ્છ મુસ્લિમ સમાજના નેજા હેઠળ આજે એસ.પી. કચેરીને ઘેરાવ કરી આંદોલનાત્મક કાર્યક્રમ અપાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે. સમસ્ત અખિલ કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો ઈન્ચાર્જ પોલીસ વડા ગૌતમ વિવેકાનંદનને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કચ્છના ડેરી ઉદ્યોગમાં મુસ્લિમ સમાજના માલધારકીઓનો સિંહફાળો છે. કચ્છમાંથી નિકાસ થતાં ગાયોના દૂધમાં 50 ટકા જેટલો ફાળો બન્ની પચ્છમ, લખપત, અબડાસા સહિતના વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકોના છે. સદીઓથી ગાયોનું પાલન કરતાં માલધારીઓને આવી રીતે ખોટા કેસોમાં ફિટ કરાશે અને તેમાં જવાબદાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી નહીં થાય તો સાચા અર્થમાં ગૌરક્ષા કરતાં માલધારી સમુદાયનું મનોબળ તૂટી જશે અને પોલીસ તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે અને વિવિધ માંગણી તેમાં રજૂ કરી હતી. ઈન્ચાર્જ પોલીસ વડાએ આ સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપવા, પોલીસે જપ્ત કરેલા માલધારીઓના 85 ગૌવંશ ગૌશાળામાંથી કાનુની કાર્યવાહી બાદ મુક્ત કરી સોંપવા, પોલીસની ખોટા કેસમાં ભૂમિકા ફલિત થાય તો ખાતાકીય કાર્યવાહી અને તટસ્થ તપાસમા સામે આવનારા ગુનેગારો સામે કાર્યવાહી ખાતરી સમાજના આગેવાનોને અપાઈ હતી. આમ આ ખાતરીને પગલે આંદોલન સમેટાયું હતું. આ માટે દહીંસરા ગ્રામ પંચાયત, બેરાજા હિન્દુ સમાજના આગેવાનો, રાણુભા જાડેજા (સરપંચ લોરીયા) અખિલ કચ્છ એહલે હદીસ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી અબ્દુલ વહાબ ભચુ મમણ, મુસ્લિમ યુવા કોર કમિટી, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અને કચ્છની શાંતિપ્રિય મુસ્લિમ-હિન્દુ લોકો સમસ્ત અખિલ કચ્છ મુસ્લિમ સમાજે આભાર માન્યો હતો. આ ટાંકણે ઉપસ્થિત અગ્રણી હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાએ પોલીસ દ્વારા થયેલા કેસને અમાનવીય લેખાવી પોલીસ તંત્રને પોતાની ફરજ તટસ્થતાથી  નિભાવવા જણાવ્યું હતું. આ સિવાય મુસ્લિમ યુવા કોર કમિટીના મોહસીન હિંગોરજા અને યુવા અગ્રણી શકીલભાઈ સમએ પણ વકતવ્યો આપ્યા હતા આમાં ઈકબાલભાઈ જત, હુશેન રાયમા (ઘડુલી), સૈયદ અલીશા (લુડવા), મામદભાઈ જુંગ (અબડાસા), મયૂરભાઈ (ટુંડા), અલીમામદ હિંગોરજા, જુણસ અલીમામદ સમા, મહંમદ લાખા, વસીમ હોથી, મહંમદભાઈ જત, બિલાલ સમા સહિતના જોડાયા હતા.

Panchang

dd