• સોમવાર, 30 માર્ચ, 2026

`લોકડાઉન'ની અફવા સામે લોકલડત જરૂરી

બીજાં વિશ્વયુદ્ધની વાત છે. જર્મનીએ બ્રિટન જઈ રહેલાં ખાંડ ભરેલાં જહાજ પર બોમ્બમારો કરીને ડૂબાડી દીધાં. બીબીસી-રેડિયો ઉપર જાહેરાત થઈ કે ખાંડની અછત છે માટે માપમાં જ મળશે. બીજા દિવસે વડાપ્રધાન ખાંડની અછતની અસર જોવા બજારમાં નીકળ્યા અને મોટી લાઇનો જોઈ હતાશ થયા પણ લાઇનમાં ઊભેલા એક નાગરિકને પૂછયું તમારે કેટલી જરૂર છે? તો જવાબ મળ્યો : મારી જરૂરિયાતથી વધુ ખાંડ ઘરમાં છે તેથી આ વધારાની ખાંડ અહીં જમા કરાવવા લાઇનમાં ઊભો છું... આ લાઇન ખાંડ જમા કરાવવા માટે હતી! આજે પેટ્રોલની સંગ્રહખોરી કરતા આપણા લોકો માટે વાયરલ થયેલો આ સંદેશ છે. પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકાની લડાઈ ચાલે છે, ત્યારે આપણા દેશમાં કેટલાક વિરોધ પક્ષોએ ભારત સરકાર અને લોકો સામે મોરચો ખોલ્યો છે! પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની અસર લોકો ઉપર પડે નહીં તે માટે જકાત-લિટરદીઠ 10 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ મુખ્ય પ્રધાનો સહકાર આપે અને દેશની એકતા બતાવે એવો અનુરોધ કર્યો છે, પણ કેટલાક નેતાઓની નજર સામે ચૂંટણી અને રાજકીય લડાઈ છે! જનતાને ભડકાવવા માટે અફવા ફેલાવાય છે કે, દેશભરમાં `લોકડાઉન' આવશે અને ચાર રાજ્યની ચૂંટણી પછી કેન્દ્ર સરકાર વધારાના વેરા નાખશે...! આ `લોકડાઉન'નો તુક્કો કેવી રીતે અફવા બન્યો? વડાપ્રધાન મોદીએ તો દેશવાસીઓને સાવધાન અને સજ્જ કરવા માટે `કોરોના'નો દાખલો આપ્યો હતો કે, કોરોના સામેની આપણી લડત લાંબી ચાલી હતી તેમ તેલ-ગેસની અછત અને ભાવવધારા સામે લડત લાંબી ચાલશે. સરકારે તો તેલ-ગેસના વિકલ્પ તરીકે વીજળીનો વપરાશ વધાર્યો છે અને વાસ્તવમાં ઈરાને આપણા તેલ-ગેસ જહાજોનો માર્ગ મોકળો કર્યો છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં આગામી બે મહિનાને અનામત સ્ટોક છે અને વધુ પુરવઠો મળે છે, ત્યારે રેશનિંગ અને લોકડાઉનની અફવા શા માટે ફેલાવાય છે ? પશ્ચિમ બંગાળ, કેરલમ, તામિલનાડુ, આસામમાં રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી ગાજી રહી છે અને વિપક્ષો, બેકફૂટ છે. મતદારયાદી સામેના વિરોધ અને વિવાદ નાકામિયાબ નીવડયા છે, ત્યારે તેલ-ગેસનો મુદ્દો હાથ લાગ્યો છે ! શું એટલી મોટી કટોકટી છે કે, સમગ્ર ભારતમાં લોકડાઉન-ઘરબંધી થાય? પણ કેટલાક નેતાઓ-બાળનેતાની આગેવાની અને આશા ઉપર બેઠા છે! દેશભરમાં તેલ-ગેસના ભાવમાં ભડકા થાય, અશાંતિ સર્જાય તો એમને મજા આવે! અને આપણા લોકોને ધીરજ અને ધરપત નથી. પેટ્રોલ પમ્પો ઉપર હાથમાં કેન-ડબ્બાથી મોટાં ડ્રમ લઈને મોટી લાઇનો લાગે છે, મારામારી થાય છે! નફાખોરો તો સંગ્રહ કરે પણ આમલોકો પણ જરૂરથી વધુ પેટ્રોલ ભરાવતા થાય ત્યારે કૃત્રિમ અછત ઊભી થાય જ. આવશ્યક ચીજવસ્તુ ધારા-હેઠળ સંગ્રહ અને નફાખોરી સામે સખત હાથે પગલાં ભરી શકાય છે. કમનસીબી એ છે કે, ખાધા-ખોરાકી-અનાજ કે ખાંડની સંગ્રહખોરી કરતાં આ પેટ્રોલખોરી વધુ ખતરનાક છે અને તેની સામે રાજ્ય સરકારોએ પગલાં ભરવાં જોઈએ, પણ પેટ્રોલ પમ્પ ઉપર ટાઇમટેબલ રખાય તો પણ અછતની છાપ પડે ! અત્યારે જનતા પોતાની જવાબદારી સમજે તે જરૂરી છે. આ સંગ્રહખોરી કે નફાખોરી માટે વ્યાપારીઓ નહીં, જનતા જવાબદાર છે. 

Panchang

dd