નવી દિલ્હી, તા. 30 : સ્પેને
ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં સામેલ અમેરિકી વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી
દીધું છે. રક્ષા મંત્રી માર્ગરીટા રોબ્લેસે સોમવારે કહ્યું હતું કે સ્પેને અમેરિકી
સેનાને સાફ સંદેશ આપી દીધો હતો કે સૈન્ય છાવણીઓનો ઉપયોગ મધ્ય પૂર્વ સંઘર્ષથી
સંબંધિત કોઈપણ કાર્યવાહી માટે થઈ શકશે નહીં. હવે એરસ્પેસ ઉપર પણ આવો જ પ્રતિબંધ
લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા સ્પેને રોતા અને મોરોન સૈન્ય છાવણીનો ઉપયોગ
ઈરાન સંબંધિત ઓપરેશનો માટે નકારી દીધો હતો. અમેરિકા અને ઈઝરાયલની મધ્ય પૂર્વ
નીતિઓની સૌથી વધુ આલોચના કરનારી યુરોપીયન સરકાર સ્પેન જ રહી છે. રક્ષા મંત્રી
રોબ્લેસે કહ્યું હતું કે એરસ્પેસ સંબંધિત નિર્ણય પહેલા જ અમેરિકી સૈનય દળોને બતાવી
દેવાયો હતો. એટલે સ્પેનિશ એરસ્પેસ અને સૈન્ય છાવણીનો મધ્ય પુર્વ સંઘર્ષમાં ઉપયોગ
કરવાની મંજૂરી નથી. તેમણે ઈરાન યુદ્ધને અવૈધ અને અન્યાયપૂર્ણ પણ ગણાવ્યું હતું.
સ્પેનનું માનવું છે કે અમેરિકા અને ઈઝરાયલની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે.