માંડવી, તા. 30 : હાલની
વિકટ પરિસ્થિતિમાં અફવાઓના પરિણામે વીજળી ચૂલાઓના વેચાણમાં ઇજાફો થયો હતો. અખાતી
તેલ ઉત્પાદક દેશોમાં યુદ્ધની પરિસ્થિતિએ વૈશ્વિક કટોકટી સર્જી છે, જેની અસરો વિવિધ દેશોમાં
જોવા મળી રહી છે. કટોકટી સમયે દેશમાં રાંધણગેસ વિતરણ તથા પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધિ
હોવા છતાં અફવાઓના કારણે જરૂરત કરતાં બે-ચારગણી ખરીદીના પરિણામે લોકોને ભારે
હાલાકી ભોગવવી પડે છે. મહાવીર ઇલેક્ટ્રિકના ચિરાગ સંઘવીના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક
ઇન્ડકશન કરતાં ઇન્ફ્રારેડ ઇન્ડક્શનની માંગ વધી છે. ત્રણ-ચાર મહિના વેચાતા જથ્થાનું
વેચાણ માત્ર ત્રણ-ચાર દિવસોમાં થઇ ગયું હતું. સામાન્ય રીતે શિયાળામાં વધુ વપરાતા
ઇન્ડક્શન ઉપકરણોની ખપત વધતાં કંપની પાસે પણ લિમિટેડ સ્ટોકનો વર્તારો સર્જાયો હતો.
પ્રિબુકિંગ માટે ઉપભોક્તાઓ અધીરા બન્યા હતા. પ્રગતિ વોચના લાંતિક શાહના જણાવ્યા
મુજબ મગાવેલો માલ આવતાં સાથે ડિલિવરી કરાય છે. વર્ધમાનના ફેમિક ગાલાના જણાવ્યા
મુજબ બે મહિનામાં વેચાતો જથ્થો એક મહિનાની અંદર વેચાઇ ગયો તથા માલ સપ્લાયની ગતિ
ધીમી પડી છે. પ્રાપ્ત માહિતી મુજબ તાંબા જેવી ધાતુઓના ભાવ વધારાના પરિણામે
ઇલેક્ટ્રિક ચૂલા વિ. ઉપકરણોમાં 25-30 ટકા ભાવ વધારા છતાં 15-20 દિવસથી
કંપનીઓ પાસે માલની અછત સર્જાઇ છે. ગ્રાહકોને સમજાવવાથી પરિસ્થિતિમાં થોડો સુધાર
થયો હતો. જરૂરત કરતાં વધુ ગેસ સિલિન્ડર,
પેટ્રોલનો જથ્થો ભેગો કરતાં કાળબજાર વધી હોવાની પણ રાવ ઊઠી હતી.