• મંગળવાર, 31 માર્ચ, 2026

વોક-વે પર કરોડોનો ખર્ચ, પણ જાળવણી શૂન્ય...

ભુજ, તા. 30 : શહેર સુધરાઈ દ્વારા કરોડોના ખર્ચે વિકાસકામો તો કરાય છે, પણ કામ પૂર્ણ થયા બાદ તેની જાણવણી ન થતાં આ માતબર રકમ એળે જાય છે. આવી જ હાલત ભુજના વોક-વે અને તેની આસપાસનાં વિકાસકામોની છે. ભુજનો વોક-વે બનાવવા અને તેની સુધારણા માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે, પણ યોગ્ય દેખરેખના અભાવે આ ખર્ચ એળે જઈ રહ્યો હોવાનું જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં જ વોક-વે મરંમત માટે કરોડો ખર્ચાયા, અહીં વાવેલા ઝાડને પાણી પીવડાવવા માટે લાઈનો પણ નખાઈ, પરંતુ જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર લાઈન વાટે છેલ્લા ત્રણેક માસથી પાણી છંટાયું ન હોવાથી વૃક્ષો સૂકાઈ રહ્યાં છે. મૂરઝાતા અને સૂકાતાં જતાં આ વૃક્ષોને નિહાળી અહીં દરરોજ ચાલવા આવનારા જાગૃત નાગરિકોના જીવ બળી રહ્યા છે. આવા જ જાગૃત નાગરિકો દ્વારા કચ્છમિત્ર સમક્ષ વ્યથા ઠાલવતા જણાવાયું કે, નગરપાલિકા દ્વારા વૃક્ષ વાવી અને પછી તેને પાણી પીવડાવવાની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતાં વૃક્ષો સૂકાઈ રહ્યાં છે. આ બાબતે નગરપાલિકાના પદાધિકારીઓ તથા બગીચાના કર્મચારીઓનું અવાર-નવાર ધ્યાન દોરવા છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી, જેથી નિવૃત્ત પોલીસ અધિકારી ભરતસિંહ ઝાલા, નિવૃત્ત ફોરેસ્ટર ભરતસિંહ સોલંકી તથા એચ.જે. સેડા, સેવાભાવી નેહલભાઈ પટ્ટણી વિ. દ્વારા તેલના ડબ્બા મારફતે બે-ત્રણ દિવસે તળાવમાંથી પાણી ભરી વૃક્ષોને પીવડાવી સૂકાઈ જતાં બચાવવા પ્રયત્નો કરાય છે. જાગૃતોએ બળાપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નગરપાલિકાને કરવાની કામગીરી લોકોને કરવી પડી રહી છે. આ ઉપરાંત માતબર ખર્ચે ઉમેદનગર માર્ગને વિકસાવાયો અને ફૂટપાથ પર બાંકડા મૂકવામાં આવ્યા, પરંતુ અસામાજિક તત્ત્વો દ્વારા આ બાંકડા તોડી નખાતાં લોકોને બેસવાની સુવિધા છીનવાઈ રહી છે. આ બાબતે પણ સુધરાઈના શાસકોને રજૂઆત કરી હોવા છતાં કોઈ જ પગલાં લેવાયાં નથી. ખરેખર આવી નુકસાની કરનારાની તપાસ કરાવી તેમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, પણ સુધરાઈ આ બાબતે આંખ, કાન અને મોઢું બંધ રાખી દે છે. હા, ફરી આ માર્ગે સુવિધા વિકસાવવાનું નવું બજેટ ફાળવાશે અને આમને આમ નુકસાની થતી રહેશે અને નવું બજેટ પાસ થયા રાખશે તેવું જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે.

Panchang

dd